વિભક્ત કુટુંબના પગલે બાળકોમાં ઇન્ટરનેટનું વળગણ ચરમસીમાએ, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવવા ઇન્કવાયરીનો ધોધ!!!
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની શાળાઓમાં હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જે બાળકો માટે ઉત્સાહનો સમય છે પરંતુ કામકાજ કરતા અને સામાન્ય માતા-પિતા માટે એક મોટી કસોટી સાબિત થઈ રહ્યો છે. વેકેશન શરૂૂ થતાંની સાથે જ બાળકોમાં ડિજિટલ ઉપકરણો (મોબાઈલ, ટેબ્લેટ, ટીવી) પાછળ વિતાવતા સમય એટલે કે સ્ક્રીન ટાઈમમાં ચિંતાજનક વધારો થયો છે.
મનોચિકિત્સકો અને ચાઇલ્ડ કાઉન્સિલર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં વાલીઓ તરફથી આવતા ફોન કોલ્સ અને ક્લિનિકલ વિઝિટ્સમાં ભારે ઉછાળો આવ્યો છે. મોટાભાગના વાલીઓની એક જ ફરિયાદ છે કે, “બાળકો આખો દિવસ ઇન્ટરનેટ ગેમિંગ અને સોશિયલ મીડિયામાં ડૂબેલા રહે છે અને જો ફોન ઝૂંટવી લેવામાં આવે તો તેઓ અત્યંત આક્રમક અને જીદ્દી વર્તન કરવા લાગે છે.”
શહેરમાં કાર્યરત વિવિધ કાઉન્સિલિંગ હેલ્પલાઈન અને મેન્ટલ હેલ્થ સેન્ટર્સ પર વેકેશન દરમિયાન રોજની સેંકડો પૂછપરછ આવી રહી છે. નિષ્ણાતોના મતે, આ સમસ્યા પાછળ ન્યુક્લિયર ફેમિલી (વિભક્ત કુટુંબ) અને વર્કિંગ પેરેન્ટ્સની મજબૂરી એક મોટું કારણ છે. માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી, તેઓ ઓફિસે ગયા પછી ઘરે એકલા રહેતા બાળકો સમય પસાર કરવા માટે ગેમિંગ અને ઓનલાઈન રીલ્સ તરફ વળે છે. જ્યારે વાલીઓ ઘરે આવીને તેમને અટકાવે છે, ત્યારે ઘરમાં સતત ઝઘડા અને માનસિક તણાવનું વાતાવરણ ઊભું થાય છે. કેટલીક સંસ્થાઓના ડેટા દર્શાવે છે કે વેકેશનના ગાળામાં ’સ્ક્રીન એડિક્શન’ (મોબાઈલનું વળગણ) અને વર્તણૂક સંબંધી સમસ્યાઓ માટે કાઉન્સિલિંગ સેશનની માંગ 40 ટકા સુધી વધી ગઈ છે.
કાઉન્સિલર્સે વાલીઓને અતિશય કડક વલણ અપનાવવાને બદલે ’ડિજિટલ ડાયેટ’ એટલે કે સ્ક્રીન ટાઈમ માટેના ચોક્કસ કલાકો નક્કી કરવાની અને તેની સામે ઇનામ (રિવોર્ડ સિસ્ટમ) રાખવાની સલાહ આપી છે. આ સમસ્યા માત્ર બાળકો પૂરતી સીમિત નથી, પરંતુ રજાઓમાં બાળકોની સતત માંગણીઓ સંતોષવામાં અને તેમને વ્યસ્ત રાખવાની ચિંતામાં વાલીઓ પોતે પણ ’પેરેન્ટલ બર્નઆઉટ’ (માનસિક થાક)નો શિકાર બની રહ્યા છે, જે આગામી દિવસોમાં વધુ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
ડિજિટલ ગેમના વિકલ્પ તરીકે કેરમ, ચેસ અથવા લ્યુડો જેવી રમત શ્રેષ્ઠ વિકલ્પ
બાળ મનોવૈજ્ઞાનિકો વાલીઓને સલાહ આપી રહ્યા છે કે ડિજિટલ ગેમિંગના વિકલ્પ તરીકે બાળકો સાથે કેરમ, ચેસ અથવા લ્યુડો જેવી ઇન્ડોર બોર્ડ ગેમ્સ રમવી જોઈએ. આ ઉપરાંત સાંજના સમયે તેમને મિત્રો સાથે સોસાયટી કે મેદાનમાં શારીરિક રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેમનું ધ્યાન ઓનલાઈન દુનિયામાંથી હટે. વાલીઓ માટે અન્ય એક ચિંતાનો વિષય એ છે કે ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે તેઓ બાળકોને દિવસના સમયે બહાર લઈ જઈ શકતા નથી, જેના લીધે બાળકો ઘરમાં રહીને વધુ કંટાળો અનુભવે છે અને ચીડિયા બની જાય છે.
