પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા

પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…

પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના પૂર્વ સરપંચ અને તેના પુત્ર સહિતના ટોળાએ યુવકને ઝાડ સાથે બાંધી, ક્રૂરતાપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી પૂર્વ સરપંચ તેના પુત્ર સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખોખરી ગામે ગઈકાલે રાત્રે એક અજાણ્યા યુવાન પર ટોળાએ હુમલો કર્યો હતો. મૃતક યુવાન બિહારનો રહેવાસી હોવાનું અને તેનું નામ મોહતા (ઉંમર આશરે 35 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ગામમાં આવેલી એક વાડીમાં ગયો હતો. ત્યાં રહેતા એક પરપ્રાંતિય મજૂરના બે વર્ષના પુત્રનું કાંડું પકડી લેતા હાજર લોકોમાં તે બાળક ચોર હોવાની શંકા જાગી હતી. જ્યારે લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડરના માર્યા યુવાન ભાગીને બીજી વાડીમાં ઘૂસી ગયો હતો. ત્યાં ટ્રેક્ટર ચલાવતા શ્રમિકો ઉપર પથ્થરમારો કરતા મામલો વધુ બિચક્યો હતો. બંને વાડીના લોકો અને ગામના અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને ’બાળક ચોર આવ્યો છે’ તેવી બૂમો પડતા આખું ગામ હરકતમાં આવી ગયું હતું.

રોષે ભરાયેલા ટોળાએ આ યુવાનને પકડી લીધો હતો અને તેને લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધો હતો. ત્યારબાદ લાકડીઓ, લોખંડના પાઈપ અને ધોકા વડે તેના પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂૂ કર્યું હતું. સ્થળ પર હાજર 25 થી 30 લોકોના ટોળાએ યુવાનને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ઘટનાની જાણ થતા જ પડધરી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જોયું તો યુવાન લોહીલુહાણ હાલતમાં ઝાડ સાથે બાંધેલો હતો અને લોકો હજુ પણ ઉશ્કેરાયેલા હતા. પોલીસે તુરંત જ યુવાનને બંધનમુક્ત કરી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે પડધરી પોલીસ મથકના પી.આઈ એમ.જી.ચૌહાણ સહિતનો સ્ટાફે તપાસ કરતા આ ઘટનામાં ખોખરી ગામના પૂર્વ સરપંચ ભીખુભા બાલુભા જાડેજા તેમજ તેના પુત્ર જીગર જાડેજા અને હરીજીતસિંહ ઉર્ફે રાજા સહદેવસિંહ જાડેજા તેમજ રઘુ સીતાપરા સહીતના અન્ય શખ્સોના નામ ખુલ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી પૂર્વ સરપંચ ભીખુભા બાલુભા જાડેજા તેમજ હરીજીતસિંહ ઉર્ફે રાજા સહદેવસિંહ જાડેજા તેમજ રઘુ સીતાપરાની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ’બાળક ચોર’ જેવી શંકાઓને કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *