પ્લોટ અને રૂમ-ઓફિસ વેચાણનો વિશ્ર્વાસ અપાવી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં અન્યને દસ્તાવેજ કરી આપ્યાનો મેઘપરના શખ્સ સામે આરોપ
જામનગર નજીકના મેઘપર (પડાણા) વિસ્તારમાં જમીનના સોદાના નામે પાંચ લાખ રૂૂપિયાની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં દિનેશસિંહ શીવુભા કંચવા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ કૃષ્ણકાંત આશિકાપ્રસાદ યાદવ હાલ જામનગરના ઢીચડા રોડ સ્થિત રવિપાર્ક ટાઉનશીપમાં રહે છે અને મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપની મારફતે કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેઓને ઓળખીતાં મારફતે મેઘપર ગામે આવેલી ઔદ્યોગિક જમીન તથા રૂૂમ-ઓફિસમાં રોકાણ અંગે માહિતી આપવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપી દિનેશસિંહ કંચવાએ મેઘપર ગામે સર્વે નંબર-10ની બિનખેતી થયેલી ઔદ્યોગિક જમીનના પ્લોટ નં. 21 અને 22 બતાવ્યા હતા.
સ્થળ પર 23 રૂૂમ તથા એક ઓફિસ હોવાની માહિતી આપી કુલ મિલકતની કિંમત રૂૂ. 80 લાખ નક્કી કરવામાં આવી હતી. શરૂૂઆતમાં લોન થયા બાદ બાકીની રકમ ચૂકવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 18 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓ મારફતે કુલ રૂૂ. 5 લાખ ભાવનાબેન વાય. પંડ્યા ના કેનેરા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ આ રકમ જમીનના સોદા પેટે લેવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાદમાં વધુ રૂૂ. 20 લાખની માંગણી કરવામાં આવી હતી અને જે જમીનનો સોદો ફરિયાદી સાથે થયો હોવાનું કહેવાતું હતું તે જ જમીન અન્ય વ્યક્તિને વેચી તેમના નામે રજીસ્ટર દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીની રૂૂ. 5 લાખની રકમ પણ પરત આપવામાં આવી નહોતી. આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વધુ તપાસ એએસઆઈ એમ.એલ. જાડેજા ચલાવી રહ્યા છે.
