ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બ્લેકમેલ કરી તેના અંગત ચેટ્સ વાયરલ કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા મહીકા ગામે રહેતી 40 વર્ષીય પરિણીત મહિલાએ જામનગરના એક શખ્સ સામે પરાણે સંબંધ રાખવા દબાણ કરી ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, મોટા મહીકા ગામના હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન યોગેશભાઇ ખીમસુરીયાને ત્રણ-ચાર વર્ષ પહેલાં જામનગરના રહેવાસી મહેશભાઇ મોહનભાઇ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો. તે સમયે બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત થતી હતી. પરંતુ, મહિલાના પરિવારને આ બાબતની જાણ થઈ જતાં તેણે મહેશ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. આ વાતનું મનદુ:ખ રાખીને આરોપી મહેશ અવારનવાર મહિલાને પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને જો સંબંધ ન રાખે તો તેમની જૂની ચેટ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો.
ગત 11 મે, 2026 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ મહિલાના પતિ યોગેશભાઈ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતા હતા ત્યારે ‘khimsuriya rahul303’ નામના એક અજાણ્યા ફેક એકાઉન્ટ પરથી તેમના આઈડી પર રિક્વેસ્ટ આવી હતી. આ ફેક એકાઉન્ટ ઓપન કરતા તેમાં ફરિયાદી અને તેમના પતિનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ તે આઈડી પર મહિલા સાથેની જૂની વોટ્સએપ ચેટના બે વિડીયો પણ અપલોડ કર્યા હતા. આ ઉપરાંત, ફેક આઈડીના બાયો (BIO) માં આરોપીએ “મારી જાન તે મારી હારે ખોટુ કર્યુ છે ઓકે. માય વાઇફ તુ મારી વાઇફ છો હતી અને રેવાની છો મારી જા” તેવું લખીને મહિલાને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, આરોપી મહેશ ચૌહાણે અગાઉ પણ તેમના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરીને હેરાન કર્યા હતા, જે બાબતે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે હર્ષાબેને 13 મે, 2026 ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 78 અને 351(2) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાળા ચલાવી રહ્યા છે.
