અમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!

અમદાવાદથી ભુજ તરફ અંદાજે 80 લાખ રૂૂપિયાની ચાંદી લઈને આવતો એક આંગડિયા કર્મચારી ફરાર થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની ફરિયાદ અમદાવાદના…

અમદાવાદથી ભુજ તરફ અંદાજે 80 લાખ રૂૂપિયાની ચાંદી લઈને આવતો એક આંગડિયા કર્મચારી ફરાર થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની ફરિયાદ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ આંગડિયા વ્યવસાયની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

ત્રણ દિવસ પહેલા એચ. પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદથી ચાંદી લઈને ભૂજ ડિલિવરી માટે નિકળ્યો હતો, જે ભુજ ના પહોંચતા ઘટના સામે આવી હતી. કિંમતી માલસામાન સાથે ફરતા આંગડિયાના માણસો સુરક્ષા કારણોસર વારંવાર બસ અને રૂૂટ બદલતા રહે છે. રોકડ વ્યવહાર મોટાભાગે સામસામેની બ્રાન્ચોમાં સમાપ્ત થઈ જાય છે, સોનું-ચાંદીનું પરિવહન જોખમી માનવામાં આવે છે.

આ કેસમાં ફરાર થયેલો કર્મચારી ચાંદી લઈને ગાયબ થતાં અનેક શંકાઓ જન્મી છે. કેટલાક સોની વેપારીઓએ આ બનાવને માત્ર કર્મચારીની છેતરપિંડી નહીં પરંતુ આંગડિયા કંપનીની આંતરિક ગેરરીતિ સાથે પણ જોડ્યો છે. ‘આટલી મોટી રકમના માલસામાનમાં પૂરતી ચકાસણી અને ટ્રેકિંગ કેમ ન હતું?’ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને આંગડિયા વ્યવસાયની કાર્યપદ્ધતિ પણ તપાસના ઘેરામાં આવી છે.

કચ્છના અનેક સોની વેપારીઓ દ્વારા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં સોનું-ચાંદી મોકલવા અને મંગાવવા માટે નિયમિત રીતે આંગડિયા સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. કુરિયર સર્વિસમાં સામાન્ય પાર્સલની ડિલિવરી થતી હોય છે, જ્યારે આંગડિયા વ્યવસાયમાં રોકડ, સોનું અને ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓનું પરિવહન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. કાયદેસર મંજૂરી અને નિયમન અંગે સતત સવાલો ઊભા થતા હોવા છતાં આ વ્યવસાય વર્ષોથી નિર્ભય રીતે ચાલતો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *