ઇરાનનો ગમે ત્યારે ઘડો લાડવો, ટ્રમ્પ-નેતન્યાહુનું ‘મિશન કબ્રસ્તાન’

ઇરાનની પરમાણુ શક્તિ ખતમ કરવા ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનની તૈયારી શરૂ, વિશ્ર્વભરમાં ઉચાટ મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે બીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.…

ઇરાનની પરમાણુ શક્તિ ખતમ કરવા ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનની તૈયારી શરૂ, વિશ્ર્વભરમાં ઉચાટ

મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે બીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની વધતી નિકટતા અને ઈરાન પર સીધા સૈન્ય હુમલાની તૈયારીઓએ સમગ્ર વિશ્વના શ્વાસ અધ્ધર કરી દીધા છે. 8 એપ્રિલથી અમલમાં આવેલો કામચલાઉ યુદ્ધવિરામ હવે ભૂતકાળ બની ગયો હોય તેમ લાગે છે. ઈરાન દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યંત નાખુશ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે માત્ર ઈરાનના શાંતિ પ્રસ્તાવને નકારી જ નથી કાઢ્યો, પરંતુ પોતાની સેનાને કોઈપણ પળે ઈરાન પર ત્રાટકવા માટે સજ્જ થવાના નિર્દેશ આપી દીધા છે. આ વખતે અમેરિકાનું લક્ષ્ય માત્ર સરહદો નહીં, પરંતુ ઈરાનની પરમાણુ શક્તિને નેસ્તનાબૂદ કરવાનું છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે લાંબી ટેલિફોનિક વાતચીત થઈ છે.

આ ચર્ચાનો મુખ્ય મુદ્દો ઈરાનમાં ‘ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન’ એટલે કે ભૂમિ સૈન્ય કાર્યવાહી શરૂૂ કરવાનો હતો. ઈઝરાયલ લાંબા સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યું છે અને હવે અમેરિકાનો સાથ મળતા આ જોખમ વધી ગયું છે. બંને દેશોનો સંયુક્ત ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કબજો મેળવી ત્યાં રહેલું અતિ-સમૃદ્ધ (Enriched) યુરેનિયમ જપ્ત કરવાનો છે.

યુદ્ધની તૈયારીઓ માત્ર જમીન પર જ નહીં, પણ અવકાશમાં પણ ચાલી રહી છે. અમેરિકાની સ્પેશ ફોર્સ અને સેટેલાઇટ ટીમો સતત ઈરાનના દરેક પરમાણુ સ્થળ અને સૈન્ય હિલચાલ પર નજર રાખી રહી છે. આ હાઇ-ટેક સર્વેલન્સ દ્વારા સૈન્ય કાર્યવાહી દરમિયાન ઈરાની સૈન્ય ક્યાંથી અને કેવી રીતે પલટવાર કરી શકે છે, તેની ચોક્કસ માહિતી અગાઉથી મેળવવામાં આવી રહી છે.

સૂત્રોનું માનીએ તો, ટ્રમ્પે ખાતરી આપી છે કે અમેરિકન સૈનિકો ઈરાનના પરમાણુ મથકોની અંદર પ્રવેશીને અંદાજે 440 કિલોગ્રામ જેટલું સમૃદ્ધ યુરેનિયમ હટાવી લેશે. આ ઓપરેશન અત્યંત જોખમી માનવામાં આવે છે કારણ કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ જમીનની ઊંડે કોંક્રિટના અનેક સ્તરો નીચે સુરક્ષિત છે. આ ઓપરેશનમાં હજારો વિશેષ તાલીમબદ્ધ સૈનિકોની જરૂૂર પડશે અને તે વિશ્વના લશ્કરી ઇતિહાસનું સૌથી મોટું અને જટિલ ઓપરેશન બની શકે છે.

વિશ્ર્વ ઉપર અસર
જો અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરે છે, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ શકે છે. રશિયા અને ચીન જેવી શક્તિઓ આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વનું રહેશે. વર્તમાન સંજોગો જોતા લાગે છે કે મધ્ય પૂર્વમાં શાંતિના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જો ખરેખર ટ્રમ્પ અને નેતન્યાહૂ પોતાની યોજના મુજબ આગળ વધશે, તો આગામી થોડા દિવસો વિશ્વના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ જ્યારે પરમાણુ શક્તિ અને અસ્તિત્વનો સવાલ હોય, ત્યારે સ્થિતિ ગમે તે વળાંક લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *