ઉનાના ઉમેજ ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટતાં બે શ્રમિકોના મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૂવો ગાળવા ની કામગીરી દરમિયાન 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટી પડતા બે…

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૂવો ગાળવા ની કામગીરી દરમિયાન 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટી પડતા બે શ્રમિકોના કરૂૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાથી નાંદરખ અને ઉમેજ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઉમેજ ગામની સીમમાં કરણસિંહ દોલુભા વાળા ની વાડીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી નાંદરખ ગામના પાંચ શ્રમિકો કૂવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. વહેલી સવારે કામ ચાલુ હતું ત્યારે કૂવાની બહાર કલાભાઈ તેજાભાઈ સોલંકી દોરડા વડે ભારે થાંભલો ખેંચી રહ્યા હતા.તે જ સમયે અચાનક દોરડું તૂટી જતા કલાભાઈ સોલંકી 70 ફૂટ ઊંડા કૂવામાં ધડાકાભેર નીચે પટકાયા હતા. કમનસીબે તે સમયે કૂવાની અંદર પ્રેમજીભાઈ ગોવિંદભાઈ બાંભણીયા કાનજીભાઈ રાણાભાઈ ચોહાણ, સકુરભાઈ માલાભાઈ બાંભણીયા અને સિધરાજભાઈ બચુભાઈ ગોહિલ ગાળ કાઢવાનું કામ કરી રહ્યા હતા.

કલાભાઈ સોલંકી સીધા નીચે કામ કરી રહેલા પ્રેમજીભાઈ બાંભણીયા પર જ પડ્યા હતા. 70 ફૂટની ઊંચાઈએથી પડેલા કલાભાઈના વજન અને ધસમસતા વેગના કારણે બંને શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કૂવાની અંદર જ બંનેના ઘટનાસ્થળે કરૂૂણ મોત નીપજ્યા હતા.

આ ભયાનક દ્રશ્ય જોઈને કૂવામાં કામ કરી રહેલા અન્ય ત્રણ શ્રમિકો સ્તબ્ધ અને હેબતાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરતા આસપાસના ખેતરો માં કામ કરતા લોકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગ્રામજનોની મદદથી બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બંને શ્રમિકોને તાત્કાલિક 108 મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ વધુ કાર્યવાહી માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ મૃતક કલાભાઈ સોલંકી અને પ્રેમજીભાઈ બાંભણીયા ના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. નાંદરખ ગામના મોટી સંખ્યા માં ગ્રામજનો અને સગા-સંબંધીઓ હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં ઉના પોલીસની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દોરડું જૂનું અને નબળું હોવાથી તૂટી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. કામ દરમિયાન સલામતીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂૂ કરી છે.એક જ ઝાટકે બે પરિવારના માળા વિખેરાઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *