“તમે ભારે વાહન લઈને શહેરની અંદર કેમ આવો છો અને તમને કોણે પરમિશન આપી?” કહી બસની ચાવી લઈ લીધી
મુસાફરોએ કહ્યું,મોડું થઈ રહ્યું છે બસને જવા દો, એડવોકેટ મહિલાએ મુસાફરો સાથે પણ ઝઘડો કર્યો!
રાજકોટ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી નજીક એસ.ટી. બસના ડ્રાઈવરને આંતરી તેની ફરજમાં રુકાવટ પેદા કરવા બદલ એક મહિલા એડવોકેટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટના 8 મે, 2026 ના રોજ સવારના આશરે 09:30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે જામનગર ડેપોની બસ રૈયા ચોકડીથી હનુમાનમઢી તરફ જઈ રહી હતી. જામનગરના રહેવાસી અને એસ.ટી. નિગમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ અરશીભાઈ કદાવલાએ આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ફરિયાદની વિગતો મુજબ, ડ્રાઈવર કમલેશભાઈ જ્યારે જી.જે.18 ઝેડ 8305 નંબરની બસ લઈને રૈયા ચોકડી પાસે વળાંક લઈ રહ્યા હતા, ત્યારે આગળ રિક્ષા હોવાથી તેમણે હોર્ન વગાડ્યો હતો. આ બાબતે મોટર સાયકલ પર સવાર નેહાબેન ગાંધી નામના મહિલા તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ હનુમાનમઢી ચાર રસ્તા પાસે આ મહિલાએ પોતાની મોટર સાયકલ (નંબર જી.જે.03 કે.એમ. 7304) બસની આડે ઊભી રાખી બસને રોકી દીધી હતી. મહિલાએ પોતાની ઓળખ એડવોકેટ તરીકે આપી હતી અને ડ્રાઈવરને પૂછ્યું હતું કે “તમે ભારે વાહન લઈને શહેરની અંદર કેમ આવો છો અને તમને કોણે પરમિશન આપી?” તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી.
આ વિવાદ દરમિયાન બસમાં બેઠેલા મુસાફરોએ પણ બહાર આવીને મહિલાને વિનંતી કરી હતી કે તેઓને મોડું થઈ રહ્યું છે, તેથી બસને જવા દેવામાં આવે. જોકે, મહિલાએ મુસાફરો સાથે પણ ઝઘડો કર્યો હતો અને બસની ચાવી રૂબરૂમાં લઈ લીધી હતી. મહિલાએ પોતાની મોટર સાયકલ બસની આગળથી હટાવી ન હતી, જેના કારણે એસ.ટી. બસને રાજકોટ બસ ડેપો સુધી નિર્ધારિત સમયે પહોંચવામાં વિલંબ થયો હતો. આમ, સરકારી કર્મચારીને તેની કાયદેસરની ફરજ નિભાવવામાં અડચણ ઊભી કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે નેહાબેન ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221 અને 352 મુજબ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મળતા જ પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી તપાસનો ધમધમટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઇ પરેશકુમાર પટેલને સોંપવામાં આવી છે. સરકારી ડ્રાઈવરની ફરિયાદના આધારે પોલીસે મહિલા એડવોકેટ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
