કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં લાખોની જનમેદની ઉમટી, મોદી-શાહ-રાજનાથ સહિત 20 રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક શપથગ્રહણ સમારોહ યોજાયો
આજે 9 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક ઘટના બની છે. આઝાદી પછી પ્રથમ વખત ભાજપે સરકાર રચી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આર.એન. રવિએ તેમને શપથ અપાવ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
સુવેન્દુ અધિકારી સાથે પાંચ અન્ય ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. આ પાંચ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કિર્તાનિયા, ક્ષુદિરામ તુડુ અને નિશિત પ્રામાણિકનો સમાવેશ થાય છે. આ સાથે બંગાળમાં નવી ભાજપ સરકારની આધિકારિક શરૂૂઆત થઈ છે.
2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતીને મોટી જીત મેળવી હતી. આ જીત સાથે તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો. મમતા બેનર્જીના લાંબા સમયના રાજની સમાપ્તિ થઈ છે. સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જી સામે બે બેઠકો પર જીત મેળવી હતી.
શપથવિધિના કાર્યક્રમમાં બંગાળી સંસ્કૃતિનો ખાસ માહોલ જોવા મળ્યો. રવીન્દ્ર સંગીત અને પરંપરાગત નૃત્યોથી આખો વાતાવરણ ભરપૂર હતો. આ કાર્યક્રમ રાબેન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના દિવસે યોજાયો હતો. વડાપ્રધાન મોદીએ નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા અને બંગાળના વિકાસ માટે સહકાર આપવાનું વચન આપ્યું.
સુવેન્દુ અધિકારીએ શપથ લીધા પછી કહ્યું કે આ જીત લોકોની જીત છે. નવી સરકાર વિકાસ, રોજગાર, કાયદો-વ્યવસ્થા અને લોકોની સમસ્યાઓના નિવારણ પર પૂર્ણ ધ્યાન આપશે. આ ઐતિહાસિક દિવસે બંગાળમાં નવા યુગની શરૂૂઆત થઈ છે અને લોકો નવી સરકાર પાસે મોટી આશાઓ રાખી રહ્યા છે.
કયા પાંચ મંત્રીઓએ શપથ લીધા?
1. દિલીપ ઘોષ: ખડગપુર સદર બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. મેદિનીપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ BJP ના મહાસચિવ અને પ્રદેશાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.
2. અગ્નિમિત્રા પોલ: અગ્નિમિત્રા પોલ પશ્ચિમ બંગાળની આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી BJP ધારાસભ્ય છે. તેઓ 2021 માં પ્રથમ વખત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2026 માં બીજી વખત જીત નોંધાવી. તેમણે 2022 ની આસનસોલ લોકસભા પેટાચૂંટણી અને 2024 ની મેદિનીપુર લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ બંને ચૂંટણી હારી ગયા હતા.
3. અશોક કીર્તનીયા: 52 વર્ષના અશોક બનગાંવ ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ મતુઆ સમુદાયમાંથી આવે છે. રાજકારણી અને વેપારી છે.
4. ખુદીરામ ટુડૂ: ખુદીરામ રાણીબાંધ (ST) વિધાનસભા બેઠક પરથી BJP ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે શિક્ષક રહ્યા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે TMC ઉમેદવાર તનુશ્રી હાંસદાને હરાવીને જીત મેળવી હતી. ખુદીરામ ટુડૂ સ્નાતક છે અને લાંબા સમયથી આદિવાસી વિસ્તારોમાં સંગઠન સાથે સક્રિય રહ્યા છે.
5. નિશિથ પ્રામાણિક: નિશિથ મથાભંગા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ 2026માં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આ પહેલા 2019માં કૂચબિહાર લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા. કેન્દ્રમાં ગૃહ રાજ્ય મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના સ્થાપક ડો.મુખર્જી સાથે કામ કરનાર કાર્યકર્તાને મોદીના ચરણવંદન
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક એવી ઘટના બની જેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર જ્યારે દેશ-દુનિયાના દિગ્ગજ નેતાઓ અને VIP લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક વયોવૃદ્ધ સજ્જનના ચરણસ્પર્શ કર્યા અને તેમને આદરપૂર્વક ભેટી પડ્યા.વડાપ્રધાન મોદીએ જેમના પગ સ્પર્શ્યા તે વ્યક્તિનું નામ માખણ લાલ સરકાર છે. 98 વર્ષની જૈફ વય ધરાવતા માખણ લાલજી ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને પાયાના કાર્યકરોમાંના એક છે. તેઓ એ પેઢીના પ્રતિનિધિ છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને આજે બંગાળમાં ભાજપને સત્તાના શિખરે પહોંચાડવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે.માખણ લાલ સરકારનો ઇતિહાસ ભાજપની વિચારધારા અને સંઘર્ષ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. 1980માં જ્યારે ભાજપની સ્થાપના થઈ, ત્યારે માખણ લાલજીને પશ્ચિમ બંગાળના પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા કપરા વિસ્તારોમાં પક્ષનું માળખું ઊભું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે માત્ર એક વર્ષમાં જ અંદાજે 10,000 નવા સભ્યોને પાર્ટીમાં જોડીને બંગાળમાં ભાજપના મૂળિયા મજબૂત કર્યા હતા.
ચૂંટણી હિંસામાં ભોગ બનનાર કાર્યકર્તાઓના પરિવારને સાંત્વના પાઠવતા વડાપ્રધાન મોદી
નવી પશ્ચિમ બંગાળ સરકારના શપથ ગ્રહણ સમારોહ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્યા ગયેલા ભાજપ કાર્યકરો દેવાશીષ મંડલ, સૌમિત્ર ઘોષાલ અને આનંદ પૌલના પરિવારોને મળ્યા. તેમને મળીને વડાપ્રધાન મોદીએ સાંત્વના પાઠવી હતી.
