પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા

પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…

પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે.

આ બનાવની વિગતો મુજબ, યશ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં ન્યારા ગામે રહેતા તેના કૌટુંબિક ભાઈ મનોજના ઘરે આંટો મારીને પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ન્યારા ગામ પાસે આવેલ બજરંગ પાન નજીક અગાઉથી ટાંપીને બેઠેલા લકી, આર્યન, કેશુભાઈ અને તેમની સાથેના અન્ય માણસોએ યશને આંતર્યો હતો. કોઈ જૂની બાબતનો ખાર રાખી આ શખ્સોએ યશ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો. મામલો બિચકતા હુમલાખોરોએ ઉશ્કેરાઈ જઈને યશ પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં યશને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની જાણ થતા જ પડધરી પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર યશ એક બહેનનો એકનો એક ભાઈ છે અને હજુ હમણાં જ તેણે બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી હતી, ત્યારે તેની પર થયેલા આ હુમલાથી પરિવારમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. પોલીસ હાલ આ હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *