રાજકોટમાં ઘરેણાં બનાવવા આપેલ 9 કિલોથી વધુની ચાંદી લઈને બંને નાસી છૂટ્યા
શહેરના કુવાડવા રોડ પર આવેલી ‘એમ.ડી. ક્રિએશન’ નામની પેઢીના માલિક સાથે 14 લાખ રૂપિયાની કિંમતની ચાંદીની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીએ પાયલ બનાવવા માટે અન્ય એક કારીગરને આપેલી 9.190 કિલોગ્રામ ચાંદી લઈને તેના રૂમ પર કામ કરતા મામા અને ભાણેજ નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી બ્રીજેશભાઈ હિતેશભાઈ ગજેરા, જેઓ પેડક રોડ પર રહે છે અને ચાંદી તથા ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે પોલીસને જણાવ્યું હતું કે,તેઓ ઘરેણાં બનાવવા માટે બહાર જોબવર્ક આપતા હોય છે.
ગત તા.27 એપ્રિલના રોજ, તેમના નિયમિત કારીગર હાજર ન હોવાથી, મિત્રની ભલામણ પર ભાવેશભાઈ શિવલાલ સોની નામના કારીગરને 9.190 કિલોગ્રામ ચાંદીનું કાસ્ટિંગ પાયલ બનાવવા માટે સોંપ્યું હતું. ભાવેશભાઈ આ ચાંદી લઈને મોરબી રોડ પર આવેલી તિરુપતિનગર શેરી નં. 4 સ્થિત તેમના ભાડાના રૂમમાં ગયા હતા. તે જ સાંજે ભાવેશભાઈ જ્યારે વેપારીને પાયલનું સેમ્પલ બતાવવા ગયા હતા, તે સમયગાળા દરમિયાન તેમના રૂમમાં રહેતા અન્ય બે શખ્સોએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો.
આ ચોરીમાં મુખ્ય આરોપી તરીકે ભેરૂસિંહ રાજપુત અને તેનો ભાણેજ શંકરસિંહ રાજપુત (બંને રહે. રાજસ્થાન) ના નામ સામે આવ્યા છે. ભાવેશભાઈ જ્યારે સેમ્પલ બતાવવા વેપારીની ઓફિસે હતા, ત્યારે સાંજે 5 થી 7 વાગ્યાના અરસામાં આ બંને શખ્સો રૂમને તાળું મારીને અંદર રાખેલી આશરે 14 લાખની કિંમતની ચાંદી લઈને ફરાર થઈ ગયા હતા. ભાવેશભાઈ જ્યારે પરત ફર્યા ત્યારે રૂમ બંધ હોવાથી અને ભેરૂસિંહનો ફોન બંધ આવતા તેમને શંકા ગઈ હતી. રૂમનું તાળું તોડી તપાસ કરતા ચાંદી ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોપી ભેરૂસિંહને તેના સંબંધીની ભલામણથી ભાવેશભાઈ કામ માટે પોતાની સાથે લાવ્યા હતા, પરંતુ તેણે વિશ્વાસઘાત કરી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. વેપારી બ્રીજેશભાઈએ આ બાબતે 27 એપ્રિલની રાત્રે જ પોલીસને જાણ કરી હતી અને 28 એપ્રિલના રોજ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે 14,00,000 રૂપિયાની મિલકતની ચોરી અંગે ગુનો દાખલ કર્યો છે.
બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોવિંદભાઈ ચૌહાણને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા રાજસ્થાન સ્થિત આરોપીઓના રહેઠાણ અને સંપર્કોના આધારે તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
