IPS મનોજ નિનામા, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, માયા આહીરની પુત્રી સોનલ ડેર, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાહેજા, આર.જે. આભા દેસાઇનો કારમો પરાજય
લોકગાયિકા રાજલ બારોટ, અભિનેત્રી નેહા સુથાર, આપમાંથી આવેલા રાજુ કરપડા, સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર, કાવ્યા કથીરિયાનો વિજય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. આ પરિણામોમાં સોશિયલ મીડિયા સ્ટાર્સથી લઈને પૂર્વ IPS અધિકારીઓ સુધીના નસીબનો ફેંસલો થયો છે. જો કે કેટલાક સ્ટાર્સના સિતારા ચમક્યાં જ્યારે કેટલાકને નિરાશા સાંપડી છે.
અંકિતા પરમાર (વડોદરા): સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. ટિકિટ મળી ત્યારે થયેલા વિવાદ છતાં તેમના મોટા ફેનબેઝે અથવા તો તેમના પ્રચારે અને કામગીરીએ તેમને જીત અપાવી છે તેવું કહી શકાય.
રાજલ બારોટ (ઉના): જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પહેલીવાર પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. નસીબનો સાથ અને પ્રચાર તથા પક્ષના સાથના પગલે 2313 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે.
નેહા સુથાર (વિજાપુર): ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પર જીત મેળવીને રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે. કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપાના વોર્ડ નં. 3 માં જીત મેળવીને અલ્પેશ કથીરિયાનો દબદબો જાળવી રાખ્યો છે.
રાજુ કરપડા (મુળી-2): આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી.
રાજકોટ જિલ્લામાં ભાજપ માટે વિજયના સમાચાર આવ્યા છે. લોધીકા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે. અહીં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાનો ભવ્ય વિજય થયો છે.
મોટા માથાઓની આંચકાજનક હારમાં માયા આહીરની પુત્રી (લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલબેન ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા થયા છે. પૂર્વ IPS મનોજ નિનામા (શામળાજી): નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો ઓડ બેઠક પર 2700 મતોથી કારમો પરાજય થયો છે.
ભૂપત ભાયાણી (ભેસાણ): આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ જનતાએ નકારી દીધા છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર અઅઙના દિનેશ રૂૂપારેલીયાએ તેમને 1700 મતોથી હરાવ્યા છે.
નયનાબા જાડેજા (રાજકોટ): નયનાબા જાડેજા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જો કે તેમનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન હોવા ઉપરાંત રિવાબા જાડેજાના નણંદ પણ છે.
બંન્ને વચ્ચે અવાર નવાર શાબ્દિક ટપાટપી થતી રહેતી હોવાનાં કારણે બંન્ને ચર્ચામાં રહે છે.
આભા દેસાઇ(રાજકોટ) : વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ચર્ચિત ચહેરો તેવા આરજે આભાનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રેડિયો જોકીના વ્યવસાયના કારણે યુવાનોમાં ચર્ચિત ચહેરા આરજે આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી.
