ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી

  ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે…

 

ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે.

આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી.

વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *