કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાં

સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ…

સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપવા તેમજ દર્શનાર્થે સોમનાથ જવાના હોય આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરશે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો પૂર્વે અમિત શાહની આ મુલાકાત અને રાજકોટના સ્થાનિક નેતાઓ સાથેની બેઠક રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.

નિશ્ચિત કાર્યક્રમ મુજબ અમિત શાહ આજે સાંજે વિશેષ વિમાન મારફતે દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ અવારનવાર મહાદેવના ચરણે શીશ ઝુકાવવા આવતા હોય છે. શ્રાવણ માસ કે અન્ય વિશેષ પર્વો પર તેમની આ આસ્થા અતૂટ રહી છે. જોકે, આ વખતે તેમની મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં, પણ રાજકીય ગરમાવો વધારનારી સાબિત થઈ રહી છે. પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપવા તેમજ દર્શનાર્થે તેઓ સોમવારે સોમનાથ જવાના હોય સૌથી મહત્વની બાબત એ છે કે અમિત શાહ રાજકોટ એરપોર્ટ પર રોકાણ દરમિયાન સ્થાનિક ભાજપના દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે એક મહત્વની બેઠક યોજશે. હાલમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે.

પરિણામો જાહેર થાય તે પહેલાં જ અમિત શાહનું રાજકોટમાં આગમન અને આગેવાનો સાથેની ચર્ચા સૂચવે છે કે હાઈકમાન્ડ આ ચૂંટણીને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં અમિત શાહ ચૂંટણી બાદના સંભવિત પરિણામો, મતદાનની ટકાવારી અને વોર્ડ વાઈઝ પક્ષની સ્થિતિની સમીક્ષા કરી શકે છે. આ ઉપરાંત, જો બહુમતી મળે તો મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદો માટે કયા નામોની પસંદગી કરવી, તે અંગે પણ પ્રાથમિક માર્ગદર્શન આપી શકે છે. રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે આ ગઢને વધુ મજબૂત કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ સક્રિય જણાઈ રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસને પગલે રાજકોટ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ તેમજ આસપાસના વિસ્તારોમાં અભેદ્ય કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. એરપોર્ટની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અમિત શાહની આ મુલાકાતથી ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામો પૂર્વે અમિત શાહનો આ ’બૂસ્ટર ડોઝ’ આગામી રાજકીય પ્રક્રિયા માટે કેટલી અસરકારક સાબિત થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *