ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે. લોકશાહીના પર્વ સમાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સૂચનાથી શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મતદાન પૂર્વે ગઇકાલે શહેરના તમામ પોલીસ મથકોમાં વર્ષોથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો, ટપોરીઓ અને અસામાજિક તત્વોની પરેડ કરવામાં આવી હતી.

રાજકોટના ભક્તિનગર, પ્રદ્યુમનનગર, થોરાળા અને આજી ડેમ સહિતના તમામ પોલીસ મથકોના પીઆઇ દ્વારા પોતપોતાના વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકે આવેલા આ શખ્સોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે, “ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જો કોઈ પણ પ્રકારની અડચણ ઉભી કરી, ડરાવવાનો પ્રયાસ કર્યો કે શાંતિ ભંગની કોશિશ કરી, તો તેની ખેર નથી.‘ માત્ર પોલીસ મથકે બોલાવીને અટકવાને બદલે, પોલીસે લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે રાજકોટના સાંકડા અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં પોલીસના કાફલાએ ભૂતકાળમાં ચૂંટણી સમયે ઘર્ષણ થયું હોય તેવા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસના ફ્લેગ માર્ચથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.આમ, રાજકોટ પોલીસની આ આક્રમક કામગીરીને પગલે શહેરમાં હાલ શાંતિનો માહોલ છે, પરંતુ ગુનેગારોમાં ફફડાટ ચોક્કસ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનાર અને અફવા ફેલાવનારા તત્વો પર પણ સાયબર ક્રાઈમની ટીમ નજર રાખી રહી છે.

ચૂંટણી પૂર્વે જેલમુક્ત થયેલા ગુનેગારોનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. “ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. રાજકોટની જનતા કોઈપણ ડર વગર મતદાન કરી શકે તે માટે પોલીસ કટિબદ્ધ છે. તેવો પોલીસે લુખ્ખા અને અસામાજિક તત્વોન સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમજ કોઈ મતદાનના દિવસે કોઈ અટકચાળો કરવો નહી, નહીંતર પોલીસ તેની શૈલીમાં જવાબ આપશે તેમ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *