રાજકોટ મનપામાં 1014 અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 1186 મતદાન મથકો, જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશની પત્રકાર પરિષદ
રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં 236 ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં 5,10,086 પુરુષ મતદારો. 4,75,848 મહિલા મતદારો તથા 18 થર્ડ જેન્ડર મળીને 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં 2326 બેલેટ યુનિટ તથા 1163 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં 151 પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને 1480 કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે. મહાનગરમાં 506 સંવેદનશીલ અને આઠ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 425 જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 595 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ 1186 મતદાન બૂથ નક્કી કરાયા છે તથા 8480 પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. 1186 બૂથોમાંથી 179 અતિ સંવેદનશીલ અને 283 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં 5,01,683 પુરુષ મતદારો તથા 4,54,890 મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ 9,56,575 મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં 2675 બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-1 અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 22 ક્લાસ-2 અધિકારી નિયુક્ત કરાયા છે. તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, 07-ગઢડા, 04-દાળીયા, 11-મેવાસા તથા 01-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે. તા.પં., જિ.પં.માં 403 સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના 1961 સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં કુલ 44 બેઠકો છે. જેમાં 20 બેઠકો બિનહરીફ થઈ છે. 24 બેઠકો પર 46 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. નગરપાલિકામાં કુલ 42,235 પુરુષ મતદારો તથા 39,230 મહિલા મતદારો તેમજ છ અન્ય મળીને 81,471 મતદારો છે. કુલ 58 બૂથ પર મતદાનની કામગીરી થશે. આ માટે 1702 સ્ટાફની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે 226 બી.યુ. અને 113 સી.યુ.નો ઉપયોગ થશે. ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-1 ઓફિસર તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-2 ઓફિસર નિયુક્ત કરાયા છે. પાલિકામાં વોર્ડ 01, 06, 09 તથા 11 તમામ બેઠકો બિનહરીફ થઈ છે, જયારે વોર્ડ-02માં 01 બેઠક, વોર્ડ-07માં બે બેઠક, વોર્ડ-10માં 01 બેઠક બિનહરીફ થઈ છે.
31 સર્વિસ વોટર્સ તથા 145 ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચાર સંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી જેમાં તાલુકા પંચાયતની બે ફરિયાદો નોંધાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક સામાન્ય અને આઠ આચાર સંહિતાની કુલ નવ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ નગરપાલિકામાં એક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે. તેના પર પગલાં લઈને રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરી દેવાયો છે. રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ 2255 મતદાન મતકો છે. જેમાંથી 814 સંવેદનશીલ મતદાન મથકો અને 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
તમામ મતદાન મથકોની 100 ભૌતિક ચકાસણી
કોઈ પણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.
