ભારત અને પાકિસ્તાનવચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવની અસર હવે રમતગમતના ક્ષેત્રમાં પણ પડી ગઈ છે. ભારતમાં આગામી મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાંથી પાકિસ્તાનને બાકાત રાખવાના સમાચારથી રમતગમત જગતમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન મહિલા ફૂટબોલ ટીમ 25 મે થી 7 જૂન દરમિયાન ગોવામાં યોજાનારી SAFF મહિલા ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
પાકિસ્તાની ફૂટબોલ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ટીમને ભારત જવાની પરવાનગી આપવામાં આવી નથી. પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનના પ્રવક્તાએ અલ જઝીરાને જણાવ્યું હતું કે તેમને સંબંધિત અધિકારીઓ દ્વારા NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવ્યું નથી.
ટુર્નામેન્ટના શેડ્યૂલમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું નથી. 6 ટીમોની આ ટુર્નામેન્ટમાં નેપાળ, ભૂટાન અને શ્રીલંકા ગ્રુપ અ માં છે, જ્યારે યજમાન ભારત ગ્રુપ બી માં માલદીવ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ સાથે છે. આ ટુર્નામેન્ટ ગોવાના પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પહેલા પણ પુરુષોની કેટેગરીની મેચો યોજાઈ ચૂકી છે. ભારત બીજી વખત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ અગાઉ 2016 માં સિલિગુડીમાં યોજાઈ હતી.
