જામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં નાગરિકો ઉમેદવારોને ઘેરીને પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે.

ચાવી જ સ્થિતિ જામનરના ગોમતીપુર વિસ્તારમાં જોવા મળી હતી. સત્તાધારી પક્ષના ઉમેદવારોને ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ ન થવાના આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે પ્રજાના રોષનો સામનો વધુ કરવો પડે છે. અનેક સ્થળોએ લોકો ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. શહેરના ગોમતીપુર સહિતના કેટલાક વિસ્તારોમાં નાગરિકોએ તો મતદાનના બહિષ્કારના બેનરો પણ લગાવ્યા હોવાની માહિતી સામે આવી છે, જે ચૂંટણી માહોલમાં વધુ ગરમાવો ઉમેરે છે.

બીજી તરફ, કેટલાક સક્રિય કોર્પોરેટરોને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવા વિસ્તારોમાં ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત, ઢોલ-નગારા સાથે આવકાર તેમજ ઠંડા પીણા, છાસ અને મીઠાઈઓથી સન્માન કરવામાં આવી રહ્યું છે. પરંતુ, જ્યાં વિકાસના કામો થયા નથી, તે વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને પાણી, સફાઈ અને ગટર સંબંધિત સમસ્યાઓનો વધુ સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ પ્રચાર દરમિયાન ઉમેદવારોને કડક પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ સત્તાધારી પક્ષ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પ્રચાર દરમિયાન લોકોને વિશ્વાસ અપાવી રહ્યા છે, કે જો તેઓને તક મળશે તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *