રાજકોટમાં કલાકાર ઉપર હુમલો કરી લૂંટી લીધો

રાજકોટ શહેર અને ભાગોળના વિસ્તારોમાં લૂંટફાટ અને હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે કુવાડવા રોડ પર વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટના…

રાજકોટ શહેર અને ભાગોળના વિસ્તારોમાં લૂંટફાટ અને હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે કુવાડવા રોડ પર વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટના નાગલપર ગામે રહેતા 24 વર્ષીય ભાવેશભાઈ રાજાભાઈ ધરજીયા નામના યુવાન પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ હુમલામાં યુવાનને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, ભાવેશભાઈ રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામાં કુવાડવા નજીક આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસે હાજર હતા. તે દરમિયાન તેઓ રોડની સાઈડમાં આવેલી એક અવાવરું જગ્યાએ લઘુશંકા માટે ગયા હતા. આ સમયે અચાનક એક બુલેટ પર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ યુવાન પર પથ્થરો વડે નિર્મમ માર મારવાનું શરૂૂ કર્યું હતું.

અચાનક થયેલા આ હુમલાથી ગભરાયેલા ભાવેશભાઈ કંઈ સમજે તે પહેલા જ લૂંટારુઓએ તેમની પાસેથી રોકડા રૂૂપિયા 3000 અને મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

ઈજાગ્રસ્ત ભાવેશભાઈ વિશે જાણવા મળ્યું છે કે તેઓ પરિવારમાં બે ભાઈ અને પાંચ બહેનોમાં સૌથી નાના છે અને રામામંડળમાં માતા સગુણાનું પાત્ર ભજવી લોકપ્રિય કલાકાર તરીકે સેવા આપે છે. એક સામાન્ય કલાકાર પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ લૂંટ અને હુમલાની જાણ થતા જ કુવાડવા પોલીસ કાફલો સક્રિય થયો છે. પોલીસે ભોગ બનનાર યુવાનની પૂછપરછ હાથ ધરી હુમલાખોરોનું વર્ણન મેળવ્યું છે અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *