માતાની ઉંમરના વૃધ્ધા સાથે પાશવી કૃત્ય આચરનાર અપરાધી પ્રત્યે દયાભાવ હોઇ શકે નહીં: ભૂજ કોર્ટનો ચુકાદો
આજથી ત્રણેક વર્ષ પહેલાં રતાડિયાના 65 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેમની નિર્મમ હત્યા નીપજાવવાના ચકચારી કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપતાં અધિક જિલ્લા અદાલતે આરોપી સચિન કુવરિયા (સથવારા)ને ફાંસીની સજા ફટકારી હતી. દુષ્કર્મ સાથે હત્યાનાં પ્રકરણમાં કચ્છમાં બીજીવાર અને સંભવિત કુલ ચોથીવાર ફાંસીની સજાનો ચુકાદો આપવામાં આવ્યો છે.
અધિક જિલ્લા સેશન્સ ન્યાયમૂર્તિ જે. એ. ઠક્કરે સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને શાત્રોમાં નારી સન્માનના શ્ર્લોક ટાંકીને રેરેસ્ટ ઓફ ધ રેર ચુકાદામાં જણાવ્યું છે કે, માતાની ઉમરનાં વૃદ્ધા સાથે પાશવી કૃત્ય આચરનાર અપરાધી પ્રત્યે કોઇ દયાભાવ હોઇ શકે નહીં. અપહરણ, દુષ્કર્મ સાથે હત્યાનો આ ચકચારી બનાવ ગત તા. 22/2/23ના બન્યો હતો. મુંદરાનાં રતાડિયા ગામે રહેતાં વૃદ્ધા નજીકનાં ગુંદાલા ગામે દેવદર્શને ગયાં હતાં અને પરત ઘરે જવા નીકળ્યાં, ત્યારે બાઇક લઇને જઇ રહેલા સચિને લિફ્ટ આપવાના બહાને બાઇક પર બેસાડયાં હતાં.
આ વૃદ્ધાનું બાઇક પર અપહરણ કરી રતાડિયાના સીમાડે અવાવરુ જગ્યા પર લઇ જઇ તેના ઉપર નિર્મમતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ આ બાબતે વૃદ્ધા કોઇને કહી ન દે આથી સચિને પોતા પાસેની લૂંગી (અજરખના કપડાં)થી વૃદ્ધાનું મોઢું અને નાક દબાવી શ્વાસ રુંધાવીને હત્યા નીપજાવી નાસી છૂટયો હતો. બીજીતરફ દેવદર્શને ગયેલાં વૃદ્ધા ઘરે પરત ન ફરતાં પરિજનો પ્રાગપર પોલીસ મથકે પહોંચ્યા હતા તેમજ અન્ય પરિજનો-સંબંધીઓએ શોધખોળ આદરતાં અડધી રાત્રે વૃદ્ધાની લાશ અવાવરું જગ્યામાંથી મળી હતી, આથી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગુનો દાખલ કરી છાનબીન આદરી હતી. જે-તે સમયના પ્રાગપરના પી.આઇ. હાર્દિકભાઇ ત્રિવેદી, એ.એસ.આઇ. સંજયસિંહ જાડેજા, રવજીભાઇ આહીર, કોન્સ. મહેશભાઇ ચૌહાણ (રાઇટર) સાથેની ટીમે તપાસ આદરી હતી. લક્કીરાજસિંહ જાડેજાએ વૃદ્ધાને એક યુવાનની બાઇક પર બેસતાં જોયાનું સામે આવ્યું હતું.
આ બાદ પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ ચકાસી પગેરું દબાવતાં ગણતરીના કલાકોમાં સચિન સુધી પહોંચી ગયા હતા. આ અરેરાટી મચાવનરા બનાવમાં વૃદ્ધાના પરિવારને ત્વરિત ન્યાય મળે તે દિશામાં પોલીસે કાર્યવાહી કરીને ઝડપભેર ચાર્જશીટ કોર્ટમાં કરી હતી. આ કેસ અધીક જિલ્લા અદાલતમાં ચાલી જતાં ગુનાની તપાસ બાદ પોલીસે કોર્ટમાં 15 સાક્ષી તથા 76 દસ્તાવેજી આધાર-પુરાવા રજૂ કર્યા હતા. 27મી માર્ચે જજ જે. એ. ઠક્કરે રજૂ થયેલા આધાર-પુરાવા, બંને પક્ષની દલીલો, ગુના બાદ જેલમાં રહેલા આરોપીની વર્તણૂક, માનસિક આરોગ્ય હોસ્પિટલના તબીબનો અભિપ્રાય વગેરેના આધારે સચિનને તકસીરવાન ઠેરવી ચુકાદો અનામત રાખ્યો હતો.
સચિને આચરેલા અપરાધની ક્રૂરતા, તેની ગુનાહિત માનસિકતા, ગુનો આચર્યા બાદ પણ અપરાધીને કોઇ પ્રશ્ચાતાપ ન હોવાનું તેમજ મૃતકના પરિવારે વેઠેલી વેદના સહિતની બાબતોનું આકલન કરીને અદાલતે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણી કલમ 302 હેઠળ મૃત્યુદંડની સજા સાથે એક લાખનો દંડ, કલમ 376 તળે આજીવન કેદ સાથે એક લાખનો ફટકાર્યો છે. કલમ 364 હેઠળ પણ દોષી ઠેરવ્યો છે. મૃતકના પરિવારને ગુજરાત વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ મુજબ 10 લાખ વળતર મળે તે માટે ભલામણ કરી છે. આ ચકચારી એવા દુષ્કર્મ સાથે હત્યાનાં આ પ્રકરણમાં કચ્છમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા અપાઇ છે, જેમાં સરકાર તરફે રહેલા સરકારી વકીલ ડી. જે. ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી.
