બે દાયકાની લાંબી સ્વયંશિસ્તનું પાલન કરશે ખૌમેની સરકાર
અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન હવે પરમાણુ હથિયારો વિકસાવવા માટે સક્ષમ પ્રોગ્રામ પડતો મૂકવા સંમત થયું છે. ટ્રમ્પના આ નિવેદનથી પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં શાંતિની નવી આશા જન્મી છે.
વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઈરાન પરમાણુ હથિયાર ન રાખવા માટે શક્તિશાળી રીતે સંમત થયું છે. તેઓ અમને પરમાણુ ધૂળ (nuclear dust) પાછી આપવા પણ તૈયાર થયા છે. અમારી વચ્ચે ઘણી બાબતો પર સહમતી સધાઈ છે અને મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક ખૂબ જ સકારાત્મક પરિણામ જોવા મળશે.” ટ્રમ્પે કહ્યું કે આગામી બે દાયકા સુધી ઇરાનની ખૌમેની સરકાર સ્વયંશિસ્તથી તમામ પરમાણું પ્રોજેકટ પડતા મુકશે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અત્યારે જે કરાર પર મંત્રણા ચાલી રહી છે તે માત્ર ટૂંકા ગાળા માટે નહીં પરંતુ 20 વર્ષથી પણ વધુ સમય માટે હોઈ શકે છે. તેમણે આ સમજૂતીની શક્યતાઓને ’ખૂબ જ સારી’ ગણાવી છે. આ કરારનો હેતુ પશ્ચિમ એશિયામાં પરમાણુ સ્પર્ધા અટકાવવાનો અને લાંબા ગાળાની સ્થિરતા સ્થાપિત કરવાનો છે. જો આ કરાર સફળ થશે તો તે ટ્રમ્પ વહીવટીતંત્રની અત્યાર સુધીની સૌથી મોટી રાજદ્વારી જીત ગણાશે.
પરમાણુ મુદ્દે ચાલી રહેલી આ વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં હોવાના સંકેત મળી રહ્યા છે. ટ્રમ્પે ઈશારો કર્યો છે કે ઈરાની અધિકારીઓ સાથે મંત્રણાનો આગામી રાઉન્ડ ચાલુ સપ્તાહના અંતે (વીકેન્ડ પર) યોજાઈ શકે છે.
આ બેઠકમાં કરારની આખરી શરતો અને અમલીકરણની પ્રક્રિયા પર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ હતી, પરંતુ ટ્રમ્પના આ આશાવાદી વલણે આંતરરાષ્ટ્રીય બજારો અને રાજદ્વારી વર્તુળોમાં હકારાત્મક માહોલ ઊભો કર્યો છે. હવે આખી દુનિયાની નજર આગામી થોડા દિવસોમાં થનારા સંભવિત ઐતિહાસિક પરમાણુ કરાર પર ટકેલી છે.
હવામાં મહેલ બનાવવાના સપના ન જુઓ: ઇરાને ટ્રમ્પની ઠેકડી ઉડાવી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો હવે એક નવા વળાંક પર પહોંચી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ સમજૂતીની ખૂબ નજીક છે, પરંતુ ઈરાને તેમના દાવાઓની મજાક ઉડાવતા તેને ’હવામાં મહેલ’ ગણાવ્યા છે. ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર (IRIB)એ ટ્રમ્પની મજાક ઉડાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ક્લિપ શેર કરતા લખ્યું કે અમેરિકી નેતા “હવામાં મહેલ” બનાવી રહ્યા છે. ઈરાને એક ફારસી કહેવત ટાંકીને કટાક્ષ કર્યો કે, “ઊંટ સપનામાં કપાસના બીજ (બિનોલા) જુએ છે, ક્યારેક તેને આખા ગળી જાય છે તો ક્યારેક દાણા-દાણા કરીને ખાતો રહે છે.” એટલે કે, ટ્રમ્પ જે વિચારી રહ્યા છે તે માત્ર એક કલ્પના છે.
