ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂૂપિયાના કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ મિયામી-ડેડ સર્કિટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, જેણે રમતગમત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
‘વિડ મ્યુઝિક ગ્રુપ’ નામના ઈવેન્ટ પ્રમોટરે લિયોનલ મેસ્સી અને ‘આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન’ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પ્રમોટરનો દાવો છે કે ગયા વર્ષે આયોજિત એક પ્રદર્શન મેચ દરમિયાન મેસ્સીએ કરારની શરતોનું પાલન કર્યું ન હતું. કરાર મુજબ મેસ્સીએ મેદાન પર રમવાનું હતું, પરંતુ તેઓ રમ્યા ન હતા, જેના કારણે પ્રમોટરને લાખો ડોલરનું નુકસાન વેઠવું પડ્યું છે. આ કરારની એક મહત્વની શરત એ હતી કે, જો લિયોનલ મેસ્સી ઈજાગ્રસ્ત ન હોય, તો તેમણે દરેક મેચમાં ઓછામાં ઓછી 30 મિનિટ રમવું પડશે. પ્રમોટરનો આરોપ છે કે 10 ઓક્ટોબરના રોજ વેનેઝુએલા સામેની મેચમાં મેસ્સી મેદાન પર ઉતર્યા જ નહોતા. નવાઈની વાત એ છે કે, મેસ્સી તે સમયે સ્ટેડિયમમાં જ હતા, પરંતુ તેઓ હાર્ડ રોક સ્ટેડિયમના એક લક્ઝરી સુઈટમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા.
પ્રમોટર જૂથનો સૌથી મોટો આક્ષેપ એ છે કે, વેનેઝુએલા સામેની મેચમાં ‘અસ્વસ્થ’ હોવાનું જણાવીને ન રમનાર મેસ્સી તેના બીજા જ દિવસે એકદમ ફિટ જણાતા હતા. એટલું જ નહીં, તેમણે તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ પણ કર્યા હતા અને તેમની ટીમને 4-0 થી જીત અપાવી હતી. આ ઘટનાએ પ્રમોટરના શંકાના વમળને વધુ મજબૂત બનાવ્યું છે.
