આનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાત

  શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર ક્વાર્ટરમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત…

 

શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર ક્વાર્ટરમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 25 વર્ષીય ધાર્મિક મહેશભાઈ મકવાણા નામના યુવકે ગઈકાલે બપોરના સમયે નહેરુનગર આહીર ચોક પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની વિગતો મુજબ, મૃતક ધાર્મિક પેનલ અને ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવાનું કારખાનું ધરાવતો હતો. ગઈકાલે જ્યારે તે પોતાના કારખાને હતો ત્યારે અચાનક તેને ઉલટીઓ થવા લાગી હતી. આ સમયે તેણે પોતાની બાજુમાં જ કામ કરતા અન્ય વ્યક્તિને જાણ કરી હતી કે તેણે ઝેરી દવા પી લીધી છે. બાજુવાળા શખ્સે જરા પણ વિલંબ કર્યા વગર ધાર્મિકને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. બીજી તરફ પરિવારને આ મામલે જાણ કરવામાં આવતા માતા સહિતના સ્વજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ધાર્મિકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

ધાર્મિકના આકસ્મિક નિધનથી મકવાણા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે ધાર્મિકના પિતા હયાત નથી અને તે બે ભાઈઓમાં મોટો હતો. ઘરની જવાબદારી જેના ખભા પર હતી તેવા મોટા દીકરાએ જ જિંદગી ટૂંકાવી લેતા પરિવાર નિરાધાર બન્યો છે. જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી આનંદનગર વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. ધાર્મિકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પોલીસ હાલ આ દિશામાં તપાસ ચલાવી રહી છે કે શું આર્થિક સંકડામણ કે અન્ય કોઈ અંગત કારણો આત્મહત્યા પાછળ જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *