રાજકોટના ગઢકા ગામેથી મેરા (બહુચરાજી) ધ્વજા ચડાવવા જતાં ભરવાડ સમાજના પદયાત્રીઓ ઉપર કાળ ત્રાટક્યો
લખતર- વિરમગામ હાઇવે ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત, મૃતદેહો ક્ષત-વિક્ષત થઇ ગયા
ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે રાજકોટથી બહુચરાજી જતા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ અને હૃદયદ્રાવક મોત નિપજ્યા છે.સમગ્ર પંથકમાં આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના ગઢકાથી બહુચરાજીના મેરા ગામે જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો.રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે લખતરના છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે તેમને હડફેટે લીધા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં ભરવાડ પરિવારના મસાભાઈ કરસનભાઈ મુંધવા,જાલુ બેન મસાભાઈ મુંધવા,રાણીબેન મંગાભાઈ લાંબરીયા,જાલુબેન વેલાભાઈ મુંધવા,વિજુબેન પ્રવીણભાઈ મુંધવા,વજીબેન વિભાભાઈ મુંધવા અને એક ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોના અંગો રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જેને એકત્ર કરી ટ્રેક્ટર અને કોથળાઓમાં ભરીને લઈ જવાની ફરજ પડી હતી.
અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.ઘટનાની જાણ થતા જ એસપી, ડીવાયએસપી અને લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રત્યક્ષદર્શી રાજુભાઈએ જણાવ્યું કે, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો. રસ્તા પર એક ડમ્પર પડયું હતું. તે કદાચ ટાયર બદલાવતો હતો. સાઇડમાંથી પદયાત્રીઓ ચાલીને જતા હતા. આ દરમિયાન અન્ય એક ટ્રકવાળો આવ્યો એણે બ્રેક ન મારી અને ચાલતા લોકોને કચડી નાખ્યા હતા.અમે તે બાદ 108 અને પોલીસને જાણ કરી હતી. આ લોકો ગઢકાથી મેરા ગામે જતા હોય તેવું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પોલીસે અને સ્થાનિકોએ મૃતદેહોના અંગોને એકત્ર કરવા માટે કોથળાઓનો ઉપયોગ કરવો પડ્યો હતો અને ત્યારબાદ આ અવશેષોને ટ્રેક્ટરમાં ભરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને મજબૂત કાળજાના માનવીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા.
ધજા ચડાવ્યા બાદ ગઢકા ગામે શિવપુરાણ બેસાડવાનું હતું
મૃતકના પરિવારજને આ અંગે જણાવ્યું કે, અમારા સંઘમાં 700 જેટલા માણસો પગપાળા જતા હતા. અમારે સવારે આઠ વાગે ધજા ચઢાવવાનું મુહૂર્ત હતું એટલે અમે રાત્રે પણ ચાલતા હતા અને રાત્રે 1.20 કલાકની આસપાસ આ બનાવ બન્યો હતો.આમાં નવ લોકોને ઇજા થઇ હતી એમાંથી સાત લોકોના મોત થયાં છે.અમે મંદિર જતા હતા.અમારો સંઘ ગઢકાથી ચાલતો આવતો હતો.અમારે ગામમાં સાત દિવસનું શિવપુરાણ બેસાડવાનું હતું.
પૂરઝડપે આવેલા ટ્રકે ઓવરટેક કરવા જતા આગળ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા
લખતરના પીઆઈ યોગેશ પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, 12મી તારીખના રાતે બેથી અઢીના ગાળામાં ટ્રક અકસ્માતમાં સાત જેટલા લોકોના મોત નીપજ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ રાજકોટ તરફથી બહુચરાજી પગપાળા જઈ રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે. એક ટ્રકમાં પંક્ચર પડયું હતુ એટલે તે રસ્તા પર પર પાર્ક કરેલ હતી.જે દરમિયાન ઓવરટેક કરવામાં અન્ય એક પાછળથી ટ્રક આવીને આ લોકોને અડફેટે લીધા હતા.
