ગ્રામ્ય એસઓજીની ટીમના દરોડામાં રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી રૂા.1 લાખના 2 કિલો ગાંજાના જથ્થા સાથે પેડલરની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયરનું નામ ખુલ્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નશાકારક પદાર્થોની પ્રવૃત્તિ નાબૂદ કરવા આપેલી સૂચના મુજબ એસઓજી ની ટીમ ગોંડલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન જામવાડી જીઆઇડીસીમાં નાયરા પેટ્રોલ પંપની પાછળની ગલીમાં એક શખ્સ એક્ટિવા માં ગાંજો લઈને પસાર થવાનો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે શંકાસ્પદ એક્ટિવા ચાલકને રોકીને તલાશી લેતા, એક્ટિવાની ડેકીમાંથી 2 કિલો અને 06 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે સ્થળ પરથી આરોપી આસીફભાઇ ઉર્ફે ભત્રીજો હાજીભાઇ ઠેબા (રહે. વોરા કોટડા રોડ, ગોંડલ) ની ધરપકડ કરી છે.
તપાસ કરતા ખુલ્યું હતું કે આરોપી અગાઉ 2019માં વિદેશી દારૂૂના ગુનામાં પણ સંડોવાયેલ છે.એસઓજીએ આસીફ પાસેથી રૂા. 1,00,300નો 2 કિલો 06 ગ્રામ ગાંજો એક્ટિવા મોટરસાઈકલ અને 2 મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ રૂા. 1,550 મળી કુલ રૂા. 1,61,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આસીફ ની પુછપરછમાં સપ્લાયર તરીકે જયરાજ જુવાનસંગ ચૌહાણ (રહે. ભોજરાજપરા, ગોંડલ)નું નામ ખુલ્યું હતું જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે,એસઓજીના પી.આઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી , રૂૂપકભાઇ બોહરા, ક્રિપાલસિંહ જાડેજા, પિયુષભાઇ અઘેરા, નૈમિષભાઇ મહેતા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળિયા, પ્રુથ્વિરાજસિંહ ડોડિયા, રણજીતભાઇ ધાંધલ, વિજયગિરી ગોસ્વામી, વિપુલ ગોહેલ, અમુભાઇ વિરડાએ કામગીરી કરી હતી.
