સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગો

રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં…

રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય

યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં શુક્રવારે રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટથી હરાવીને વર્તમાન સિઝનમાં વિજયનો ચોગ્ગો ફટકારી દીધો હતો. તેણે આ સાથે 2026માં સળંગ ચાર મેચ જીતી છે અને ટુર્નામેન્ટમાં હજી સુધી અજેય રહી છે.

શુક્રવારની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઝંઝાવાત સર્જ્યો હતો. તેણે સાત સિક્સર ફટકારીને માત્ર 26 બોલમાં 78 રન ફટકારી દીધા હતા. અહીં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 201 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં ચાર વિકેટે 202 રન કરી દીધા હતા.

મેચનું આકર્ષણ ફરી એક વાર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. 202 રનના ટારગેટ સામે રમતી રોયલ્સની ટીમ માટે તેણે અને જયસ્વાલે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. જોકે ડાબોડી બેટર વૈભવ વધુ આક્રમક રહ્યો હતો. તેણે વર્તમાન સિઝનમા બીજી વાર 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવૂડ અને ટી20માં ચુસ્ત બોલરની પ્રતિષ્ઠા ધરાવતા ભુવનેશ્વરકુમાર સામે તેણે ઉપરા ઉપરી સિક્સર ફટકારી હતી. વૈભવે આઠ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી. આમ 78 રનમાંથી તેણે 74 રન બાઉન્ડ્રી શોટથી ફટકાર્યા હતા.
જોકે વૈભવ આઉટ થયા બાદ ઉપરા ઉપરી વિકેટો પડતાં રોયલ્સની ગતિ ધીમી પડી ગઈ હતી પરંતુ ધ્રુવ જુરેલે એક છેડો સાચવીને ટીમને ટારગેટ સુધી પહોંચાડી હતી. જુરેલે 43 બોલમાં ત્રણ સિક્સર સાથે અણનમ 81 રન ફટકાર્યા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાક મોડી શરૂૂ થયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રજત પાટીદારે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. એક તરફ નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી પરંતુ પાટીદારે ગણતરીપૂર્વકનો વળતો પ્રહાર જારી રાખીને ટીમને આઠ વિકેટે 201 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. મેચના પહેલા જ બોલે ફિલ સોલ્ટ આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલીએ 200ના સ્ટ્રાઇક રેટથી 16 બોલમા સાત ચોગ્ગા સાથે 32 રન ફટકાર્યા હતા. આમ છતાં બેંગલોરે 62 રનમાં ચાર અને 76 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ટીમનો સ્કોર છ વિકેટે 94 થઈ ગયો હતો અને ટીમ મુશ્કેલીમાં જણાતી હતી. તે સમયે રજત પાટીદારે જવાબદારી સંભાળી 40 બોલમાં 63 રન ફટકાર્યા હતા, જેમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગા સામેલ હતા.

2026ની IPLમાં સર્વોચ્ચ પાવરપ્લે સ્કોર
સ્કોર ટીમ હરીફ
0/97 રાજસ્થાન- બેંગલોર
2/89 રાજસ્થાન- મુંબઈ
1/84 હૈદરાબાદ- કોલકાતા
0/80 મુંબઈ- કોલકાતા
1/78 કોલકાતા- મુંબઈ

IPLમાં ભારતીયોની ઝડપી અડધી સદી
13 જયસ્વાલ રાજસ્થાન કોલકાતા 2023
14 કે.એલ. રાહુલ પંજાબ દિલ્હી 2018
15 યુસુફ પઠાણ કોલકાતા હૈદરાબાદ 2014
15 વૈભવ સૂર્યવંશી રાજસ્થાન ચેન્નાઈ 2026
15 વૈભવ સૂર્યવંશી રાજસ્થાન બેંગલોર 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *