‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા કરવાના છે’ કહી પરિણીતાને સાસરીયાનો ત્રાસ

શહેરમાં એક વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ બોટાદના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતના સાસરીયાઓ તેને ‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા…

શહેરમાં એક વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ બોટાદના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતના સાસરીયાઓ તેને ‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા કરવાના છે’ તેમ કહેતાં હતાં અને પતિ ‘તું મને ગમતી નથી, મારા લગ્ન પરાણે કરાવેલા કહી દારૂ પી અન્ય છોકરીઓના ફોટા બતાવતો હતો. જેનાથી કંટાળી તેણી માવતરે આવી ગઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસે પતિ, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ, નણંદોયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, હાલ કોઠારીયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી કિરણબેન જયદીપભાઈ ધોળકીયા (ઉ.32) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બોટાદ રહેતાં તેના પતિ જયદીપ ચંદ્રકાંતભાઈ ધોળકીયા, સાસુ હિનાબેન, જેઠ સંદીપભાઈ, જેઠાણી પ્રિયંકાબેન, અમદાવાદ રહેતાં નણંદ ચાર્મીબેન ક્રિસાંગભાઈ વેડીયા અને નણંદોયા ક્રિસાંગ મહેશભાઈ વેડીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેનાં લગ્ન 2024માં જયદીપ સાથે થયા હતાં.

લગ્નના 10 દિવસ બાદથી જ પતિએ ઝઘડા કરવાનું શરૂ કરી દીધું હતું. પતિ તેને કહેતો ‘તું મને ગમતી નથી અને મારા લગ્ન પરાણે કરાવેલા છે. પતિ અવારનવાર દારૂ પીને મારકુટ કરતો અને અલગ અલગ છોકરીઓના ફોટા બતાવી કહેતો ‘મારે આ બધા સાથે સંબંધ છે, હું તને નોકરાણી તરીકે લાવ્યો છું’ તેના સાસુ પણ રસોડામાં આવવા દેતા નહીં અને કહેતા કે તને નોકરાણી તરીકે લઈ આવ્યા છીએ તારે કચરા પોતા કરવાના છે તેમ કહી ત્રાસ આપતાં હતાં. આ ઉપરાંત જેઠ-જેઠાણી, નણંદ અને નણંદોયા પણ પતિની ચઢામણી કરી ત્રાસ આપતાં હોય જેથી તેણી માવતરે આવી ગઈ હતી અને બાદમાં સમાધાન કર્યુ ન હતું અને તેનો સામાન પણ સાસરીયામાં રહેલો હોય આ અંગે તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *