અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (ઙખ)ની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઉનાળાની શરૂૂઆત સાથે સિંહોના મોનિટરિંગ અને ડી-વોર્મિંગ (કીડા નિવારણ)માં સંભવિત અભાવ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે.
આ ઘટના બાદ સિંહના મૃત્યુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ બહાર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ હોવાના અહેવાલો છે.ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં અનેક સિંહોના બીમારીના કારણે મોત થયા હતા. ખાસ કરીને સિંહબાળમાં મૃત્યુદર વધુ હોવો ચિંતાજનક માનવામાં આવે છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યું છે અને સિંહોના આરોગ્ય પર ખાસ નજર રાખવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.
