પોરબંદર જિલ્લાના રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાણાવાવ રેલવે સ્ટેશન પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા સારાબેન ઓસમાણભાઈ હિંગોરા રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, સારાબેન સવારના સમયે પોતાના ઘરની નજીક આવેલી દરગાહએ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. દરગાહ તરફ જવા માટે તેઓ જ્યારે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા, ત્યારે અચાનક પવનના જોરદાર ઝાપટાને કારણે તેઓ પોતાનું સંતુલન જાળવી શક્યા નહોતા અને ટ્રેક પર જ પડી ગયા હતા. આ જ સમયે ટ્રેન આવી પહોંચતા તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં તેમને હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી છે.
