પોલીસ, કમિશનર, સમાજ કલ્યાણમાં અરજી કરવા છતાં કોઈ પગલા ન લેવાયાનો આક્ષેપ
આજે પગાર લેવા જતાં ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ કહેતા આપઘાતનો પ્રયાસ કર્યો
શહેરના વિજય પ્લોટમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને હેલ્થ વર્કરના ત્રાસથી મહિના પૂર્વે જ રાજીનામુ આપનાર મહિલા નર્સે આર.એમ.સી.ના ગેઈટ પાસે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હેલ્થ વર્કર મહિલા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હેરાન કરતી હોય જે અંગે પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર અને સમાજ કલ્યાણ વિભાગમાં અરજી કરવા છતાં કોઈ પગલાં ન લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આજે ફેબ્રુઆરી મહિનાનો પગાર લેવા જતાં ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ તેમ કહેતાં તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર મહિકા ગામની પાટીયા પાસે રહેતી આરતી વશરામભાઈ પરમાર (ઉ.24) નામના મહિલા નર્સે આજે બપોરે 12 વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાના ગેઈટ પાસે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી જવા પામી હતી. મહિલાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં તેણી બે ભાઈ એક બહેનમાં મોટી અને વિજય પ્લોટમાં આવેલા આરએમસીના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઈઝ પર સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી તે આરોગ્ય કેન્દ્રમાં સાથે જ નોકરી કરતી ફિમેઈલ હેલ્થ વર્કર કિરણબેન ચૌહાણ તેને અવારનવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં હોય અને કામ બાબતે હેરાન કરતાં હોય જે બાબતે તેણે કિરણબેન વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને પણ અરજી કરી હતી. પરંતુ કોઈ જવાબ ન આવતાં તેણે સમાજ કલ્યાણ વિભાગમાં અરજી કરી હતી. આમ છતાં કિરણબેન વિરૂધ્ધ કોઈ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમણે મહિલા હેલ્થ વર્કર કિરણબેનના ત્રાસથી ગત તા.11-3-2026નાં રોજ રાજીનામું આપી દીધું હતું.
બાદમાં આજે તેઓ ફેબ્રુઆરી મહિનાનો પગાર લેવા માટે ગયા હતાં. ત્યારે નિતાબેને કહેલું કે ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ તેમ કહેતા તેણીએ કોર્પોરેશનમાં દરવાજા પાસે જ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.
