જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ…

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અંદાજે સાડા આઠ લાખની લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા અને જેની પર ₹10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું તેવા રીઢા ગુનેગારને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.રાજકોટ રેન્જનાઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

ખાસ કરીને જામનગર પોલીસ અધિક્ષક દ્વારા જે આરોપીઓ પર ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા, તેમને અગ્રતા આપી શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ શરૂૂ કરી હતી. વર્ષ 2021માં જામનગરના પંચકોષી બી-ડિવિઝન વિસ્તારમાં એક લૂંટની ઘટના બની હતી. જેમાં વાડીમાં સૂતેલા દંપતી ઉપર નિર્દયતાપૂર્વક હુમલો કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત અંદાજે ₹8.50 લાખના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. આ ગુનામાં મધ્યપ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું ખુલ્યું હતું.

આ ગુનામાં પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપતો આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનીયા (રહે. પીપલવા, જી. ધાર, મધ્યપ્રદેશ) સતત પોતાના રહેઠાણો બદલી પોલીસથી બચી રહ્યો હતો. રાજકોટ રેન્જ ટીમના કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ ઝાલા, મિતેશભાઇ પટેલ અને કમલેશભાઇ રબારીને ચોક્કસ બાતમી મળી હતી કે ઇનામી આરોપી ભુવાનસીંગ હાલમાં હિલચાલ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન આરોપીને દાહોદ હાઇ-વે પર રાબડાલ બસસ્ટેશન નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા વર્ષો સુધી કે ગમે તેટલા દૂર નાસી છૂટનારા ગુનેગારો કાયદાના શિકંજામાંથી બચી શકશે નહીં.આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.એચ. બાર, પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તેમજ એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશીકભાઇ પટેલ, ધર્મેન્દ્રસિહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ, કોન્સ્ટેબલ મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી અને ડ્રાઈવર દિનેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *