બાથરૂમ તોડીને બહાર કઢાયા : પરિવારમાં ગમગીની
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. હરિધવા રોડ પર આવેલી અયોધ્યા સોસાયટીમાં રહેતા પ્રૌઢ બાથરૂમમાં ગયા હતાં ત્યારે જ હાર્ટએટેક આવી ઢળી પડયા હતાં. બાદમાં પરિવારજનો દ્વારા બાથરૂમ તોડી તેને બહાર કાઢવામાં આવ્યા હતાં.
જાણવા મળતી વિગત મુજબ, અયોધ્યા સોસાયટીમાં રહેતાં અશોકભાઈ રણછોડભાઈ ભંડેરી (ઉ.53) નામના પ્રૌઢ આજે સવારે બાથરૂમમાં ગયા હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડયા હતાં. ઘણો સમય થવા છતાં તેઓ બહાર ન નીકળતા અને પરિવારજનો દ્વારા દરવાજો ખટખટાવવા છતાં તેઓ જવાબ આપતાં ન હોય દરવાજો તોડી જોતાં પ્રૌઢ બેભાન હાલતમાં પડયા હોય તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કરતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શાકભાજીનો વ્યવસાય કરતાં હતાં તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
