હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો
જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12 લાખ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે જસદણ પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જસદણના રેશમાબેન સોહિલભાઈ મુલતાની (ઉ.વ. 43) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2024માં તેમના પતિને નવો ધંધો શરૂૂ કરવા માટે નાણાંની જરૂૂરિયાત ઊભી થઈ હતી.
આ માટે તેમણે જસદણના જ મિત્ર રમેશ હિરપરા પાસેથી માસિક 3% ના વ્યાજે રૂૂ. 1 લાખ ઉછીના લીધા હતા. સુરક્ષા પેટે રેશમાબેનનો એક સહી કરેલો કોરો ચેક પણ આપવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી વ્યાજની નિયમિત ચુકવણી કર્યા બાદ, હોટલના વ્યવસાયમાં નુકસાન જતાં સોહિલભાઈ ડ્રાઈવિંગનો વ્યવસાય કરવા લાગ્યા હતા. દરમિયાન, તેમના ભાગીદાર રિઝવાન મુલતાની (અમદાવાદ) એ ફોન કરી ધમકી આપી હતી કે રમેશ હિરપરાએ પેલો કોરો ચેક તેને આપી દીધો છે. રિઝવાને આક્ષેપ કર્યો કે હવે વ્યાજ અને હિસાબ પેટે રૂૂ. 12 લાખ ચૂકવવા પડશે, અન્યથા ચેક બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ રમેશ હિરપરા, રિઝવાન મુલતાની અને ઇમ્તિયાઝ મુલતાની રેશમાબેનના ઘરે પહોંચ્યા હતા. તે સમયે પતિ હાજર ન હોવાથી આરોપીઓએ રેશમાબેનને ધમકાવતા કહ્યું હતું કે, “તારા પતિને કહી દેજે કે સાંજ સુધીમાં 12 લાખ રૂૂપિયા પૂરા કરી દે, નહિતર તમને બંનેને જીવતા રહેવા દઈશું નહીં.” વ્યાજખોરોના સતત ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અંતે રેશમાબેને જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સો ફરી એકવાર વ્યાજખોરોના વધતા જતાં આતંક અને સામાન્ય માણસની લાચારીને છતી કરે છે.
