ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો

શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતાં યુવાન ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં…

શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતાં યુવાન ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી શેરી નં.3માં રહેતાં અજીત ઉર્ફે અજય ઉર્ફે ભુરો રફીકભાઈ મીરાસી (ઉ.26) નામના યુવાને બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોપટપરામાં રહેતાં હુશેન ઉસ્માનભાઈ મીર, સમીર દુલાભાઈ મીર, સૌયબ ઉસ્માનભાઈ મીર અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.25નાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે તેમના સંબંધીનો પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતાં. દરમિયાન ફરિયાદીના મોટાભાઈ અકબરભાઈને પ્રસંગમાં આરોપી સમીર મીર અને તેના મિત્રો સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી. જો કે આરોપી તેના સગા જ હોવાથી સમાજનાં આગેવાનો સાથે મળી સમાધાન કરી નાંખ્યું હતું.

બાદમાં તા.27નાં રાત્રે ફરિયાદી ગ્રીનલેન્ડ ચોકડીએથી કામ પુરૂ કરી ચાલીને ઘરે જતો હતો ત્યારે કારના શોરૂમ પાસે પહોંચતાં ચારેય આરોપીઓએ આવી ‘તને બહુ હવા છે, આજે તારી હવા કાઢી નાખવી છે’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી સમીરે સાથળના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતાં. દરમિયાન લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાસી છુટયા હતાં. હુમલામાં ઘવાયેલા ફરિયાદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી-ડીવીઝન પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *