ઈરાન પરના હુમલામાં એરસ્પેસ આપવા સ્પેનનો ઈનકાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. સાથે સાથે ઓઈલ સંકટના કારણે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એવામાં હવે અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કહ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મનમાં આ વિચાર છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પ્લાન હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પની અગાઉની નીતિઓ જોતા આ શક્યતા પ્રબળ જણાય છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પરથી ઈરાનને ચેતવણી આપી છે.
ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે ટૂંક સમયમાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ આઈલેન્ડને “સંપૂર્ણપણે નેસ્તનાબૂદ” કરી દેશે. આટલું જ નહીં ટ્રમ્પે માંગ કરી છે કે ઈરાન તરત જ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વેપાર માટે ખુલ્લું કરે.
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાને તેના મિત્ર દેશો જ આંચકો આપી રહ્યા છે. સ્પેનના સંરક્ષણ મંત્રી માર્ગારેટા રોબલેસે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઈરાન પર હુમલામાં સામેલ કોઈપણ અમેરિકન વિમાનને સ્પેનના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સ્પેને અગાઉ અમેરિકાને તેના એરબેઝ વાપરવા આપવાની પણ ના પાડી હતી. સ્પેનનું કહેવું છે કે અમે એવા યુદ્ધમાં સહભાગી થવા માંગતા નથી જે એકતરફી અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં છે.
