બાંગ્લાવડા તારિકે પાક.ના સૈન્ય માટે સ્વદેશના દરવાજા ભીડી દીધા

બાંગ્લાદેશની ચૂંટણીમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની પકડ મજબૂત થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. તેનું…

બાંગ્લાદેશની ચૂંટણીમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની પકડ મજબૂત થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. તેનું કારણ એ કે, તારિકના માતા બેગમ ખાલિદા ઝિયા ભારત તરફ કૂણું વલણ નહોતાં ધરાવતાં. ખાલિદા ભારત સાથે અંતર રાખતાં તેથી તારિક પણ ભારત તરફ કૂણા નહીં પડે ને મુહમ્મદ યુનુસની જેમ પાકિસ્તાનના ખોળામાં બેસી જશે એવો ડર બતાવાતો હતો પણ બાંગ્લાદેશના લિબરેશન ડે પર તારિક રહેમાને કરેલી વાતો ભારત માટે રાહતરૂૂપ છે.તારિક રહેમાને પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહી દીધું છે કે, બાંગ્લાદેશની આઝાદીની લડાઈ વખતે પાકિસ્તાનની આર્મીએ કરેલા અમાનુષી અત્યાચારોને કદી નહીં ભૂલી શકાય અને 1971માં પાકિસ્તાન આર્મીએ કરેલો નરસંહાર માનવજીવનના ઈતિહાસના સૌથી ઘૃણાસ્પદ નરસંહારોમાંથી એક છે.

તારિકે પાકિસ્તાની આર્મીના ઓપરેશન સર્ચલાઇટ વખતે નિ:શસ્ત્ર બાંગ્લાદેશીઓની હત્યાકાંડના સમયગાળાને ક્રૂર દિવસો તરીકે યાદ કરીને લાંબીલચક પોસ્ટ મૂકી છે.બાંગ્લાદેશમાં 25 માર્ચનો દિવસ જીનોસાઈડ ડે એટલે કે નરસંહાર દિવસ તરીકે મનાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાયછે કેમ કે, 1971માં 25 માર્ચે પાકિસ્તાન આર્મીએ ઓપરેશન સર્ચલાઈટ હાથ ધર્યું હતું.

પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાખવા અત્યાચારો કર્યા તેની સામે મુજીબુર રહેમાને લોકોને પૂરી તાકાતથી લડી લેવાનું એલાન કરતાં બંગાળીઓ રસ્તા પર ઉતર્યા હતા ને બાંગ્લાદેશમાં પ્રચંડ આંદોલન ઊભું થયું.આ આંદોલનને કચડી નાખવા 25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. યાહ્યા ખાને બાંગ્લા પ્રજાના વિરોધને કચડી નાખવા લશ્કરને જે યોગ્ય લાગે તે કરવાની છૂટ આપી. મુજીબુર રહેમાનની ધરપકડ કરીને પાકિસ્તાન આર્મી તૂટી પડ્યું. ઓપરેશન સર્ચલાઈટ દરમિયાન 30 લાખ બંગાળીઓની હત્યા કરાઈ હતી અને એક લાખથી વધુ સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારાયા હતા એવું કહેવાય છે.તેમાંથી મોટા ભાગનાં હિંદુ હતાં. પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સામે બંગાળીઓનું રક્ષણ કરવા 10 એપ્રિલે બાંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ હતી.

આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને મુક્તિ બાહિની રચી. મુક્તિ બાહિની બાંગ્લાદેશની આઝાદી માટે રચાયેલું લશ્કર હતું. તારીકનું વલણ ભારત માટે બહુ આંચકાજનક નથી કેમ કે તારીક પોતાનાં માતા ખાલિદા ઝિયાના રસ્તે જ ચાલી રહ્યા છે. ખાલિદા ભારતતરફી નહોતાં તો ભારતવિરોધી પણ નહોતાં પણ મોટી વાત એ કે, પાકિસ્તાન કે ચીનને તેમણે બાંગ્લાદેશમાં ઘૂસવા નહોતાં દીધાં. ખાલિદા બાંગ્લાદેશને એક મજબૂત અને પોતાની સુરક્ષા જાતે જ કરી શકે એવું રાષ્ટ્ર બનાવવા માગતાં હતાં. તેના કારણે કેટલાક મુદ્દે તેમણે ભારત સામે આકરું વલણ લીધું તેમાં ઘણાંએ તેમને ભારત વિરોધી ચિતર્યાં પણ ખાલિદા ભારત વિરોધી નહોતાં.

તારીક પાકિસ્તાન આર્મીને માફ કરી શકે તેમ નથી એ માટે બીજું પણ કારણ છે. તારીકના પિતા ઝીયા ઉર રહેમાન ઓપરેશન સર્ચલાઈટ સામે બગાવત કરનારા પહેલા પાકિસ્તાની આર્મી ઓફિસર હતા તેથી તારીકનો પરિવાર નરસંહારની વિરુદ્ધ પહેલેથી છે ઝીયા પછી રાજકારણમાં આવ્યા અને પ્રમુખ બન્યા. 1981માં ઝીયાની આર્મીના અધિકારીઓએ હત્યા કરી નાખી હતી. પાકિસ્તાને આ હત્યાના કાવતરામાં પડદા પાછળ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે કેમ કે બાંગ્લાદેશના સર્જનમાં અને 1971ના ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનની હારમાં ઝીયાએ મોટો ફાળો આપ્યો હતો. તારીક આ વાત પણ નથી જ ભૂલ્યા.

પાકિસ્તાન આર્મી સામેનું આકરુ વલણ એ વાતનો પુરાવો છે કે, તારીક સમજદાર છે. દુનિયા બદલાઈ રહી છે અને આર્થિક હિતો વધારે મહત્ત્વનાં બનતાં જાય છે ત્યારે આતંકવાદના રવાડે ચડેલું પાકિસ્તાન નહીં પણ ભારત બાંગ્લાદેશ માટે વધારે મહત્ત્વનું છે તેનો અહેસાસ તારીકને છે. યુદ્ધના માહોલમાં પણ ભારતે . બાંગ્લાદેશને પાઈપ લાઈન દ્વારા અપાતું ડીઝલ બંધ નથી કર્યું. તેના પરથી સ્પષ્ટ છે કે, બાંગ્લાદેશને પાકિસ્તાન નહીં પણ ભારત વધારે મદદરૂૂપ થઈ શકે તેમ છે ને તારીકમાં આ સમજ છે એ સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *