આરોપીએ ધમકી આપી, પાયલને ઘરે પહોંચાડી દેજો નહીં તો મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું, રાજકોટ આજીડેમ પોલીસમાં આઠ શખ્સે સામે ફરિયાદ નોંધાઇ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 22 વર્ષીય ભરતકુમાર કરમણભાઈ ભરવાડ નામના યુવક પર જીવલેણ હુમલો અને અપહરણની ઘટના સામે આવી છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ભોગ બનનારના મોટાભાઈ વિજયભાઈએ કરેલા પ્રેમલગ્ન હોવાનું બહાર આવ્યું છે.આશરે આઠ મહિના પહેલા વિજયભાઈએ રામભાઈ ટોળીયાની દીકરી પાયલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેનો ખાર રાખીને યુવતી પક્ષના સભ્યોએ આ કૃત્ય આચર્યું હતું.
તારીખ 25/03ના રોજ રાત્રિના આશરે 10:00 વાગ્યાની આસપાસ જ્યારે ભરતકુમાર પોતાની મોબાઈલની દુકાન બંધ કરી ફઈના ઘરે જમવા ગયા હતા, ત્યારે આ હુમલો થયો હતો. ગોપાલ નામના યુવકે તેને બહાર કોઈ બોલાવે છે તેમ કહી શેરીમાં બોલાવ્યો હતો. ત્યાં હાજર ધીરુભાઈ ટોળીયા, રામભાઈ ટોળીયા, રાહુલ ટોળીયા, ખોડાભાઈ જોગરાણા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ “તું જ વિજયનો ભાઈ છે ને?” તેમ કહી ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓ તેને ઢસડીને ખોડીયાર ડેરી સુધી લઈ ગયા હતા અને બળજબરીપૂર્વક સ્વિફ્ટ ગાડીમાં બેસાડી દીધો હતો.
આરોપીઓ ભરતકુમારને સાપરના ગોંડલ રોડ પાસેના પુલ નીચે લઈ ગયા હતા. ત્યાં ગાડી ઉભી રાખી અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે તેને બેરહેમીથી માર માર્યો હતો. એક આરોપીએ છરી બતાવીને ધમકી આપી હતી કે “તારા ભાઈને કહી દેજે કે પાયલને ઘરે પરત મૂકી જાય, બાકી તેની હાલત પણ આવી જ કરીશું”.
હુમલાખોરોએ વારાફરતી ધોકા વડે માર મારતા ભરતકુમાર બેભાન જેવો થઈ ગયો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ તેને ફરી ગાડીમાં નાખી સીતારામ સોસાયટી પાસે ફેંકી દીધો હતો અને “પાયલને ઘરે પરત નહીં પહોંચાડો તો જાનથી મારી નાખી લાશ ગીરમાં ફેંકી દઈશું” તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ભોગ બનનાર યુવકને રસ્તામાં તેના ઓળખીતા લાલાભાઈ વાળંદ મળી જતાં, તેના દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 108 મારફતે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આજીડેમ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 140(3), 351(2), 189(4), 191(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રતન માણશી સાખરાને સોંપવામાં આવી છે.
