થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર 14 માં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા 22 વર્ષીય પ્રકાશભાઈ ભલાભાઈ પરમાર ગત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ ખીજડીયા ગામે તેમના મોટાભાઈની સાસરીમાં ગયા હતા. પ્રકાશભાઈના મોટાભાઈ નીતિનભાઈના લગ્ન હેમંતભાઈ રાઠોડની પુત્રી જાનકીબેન સાથે થયા હતા, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી જાનકીબેન રીસામણે પિયર હોવાથી તેમને તેડવા બાબતે અવારનવાર ફોન આવતા હતા.
ગઈકાલે રાત્રે જ્યારે પ્રકાશભાઈ હેમંતભાઈના ઘરે બાટલો લેવા ગયા ત્યારે હેમંતભાઈએ “તમારો ભાઈ નીતિન અત્યારે જાનકીને તેડવા આવશે કે નહીં?” તેમ કહી અચાનક ઝઘડો શરૂૂ કર્યો હતો. તકરાર ઉગ્ર બનતા હેમંતભાઈ મોહનભાઈ રાઠોડ, તેમના પુત્ર બલદેવભાઈ અને અન્ય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ પ્રકાશભાઈ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ છરી વડે હુમલો કરતા પ્રકાશભાઈને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ પ્રકાશના મોટાભાઈ નીતિનભાઈ (ઉ.વ. 32) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા સાસરી પક્ષના લોકોએ તેમના પર પણ હુમલો કરી માર માર્યો હતો.ઘવાયેલી હાલતમાં બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કૌટુંબિક કંકાસમાં થયેલા હુમલાને પગલે હોસ્પિટલ ચોકીએથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ,પત્નીને તેડવા આવવા જેવી સામાન્ય બાબતે સાસરી પક્ષે હિંસક વલણ અપનાવી જમાઈ અને તેના નાના ભાઈને નિશાન બનાવ્યા હતા.હાલ પોલીસ દ્વારા આ મામલે હેમંતભાઈ, બલદેવભાઈ અને અન્ય સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
