તાજેતરમાં દુબઈમાં ફસાયેલ લોકોને એરક્રાફટ દ્વારા ગુજરાત પહોંચાડનાર મનાલી ઓડેદરા ચલાવે છે પોતાની એરક્રાફટ મેનેજમેન્ટ કંપની
ડીપાર્ચર પહેલાં કોઈ અણધારી પરિસ્થિતિ આવે તો પેનિક થયા વગર બીજા વિકલ્પો વિચારી ક્લાયન્ટને હેરાનગતિ ન થાય તેમ ત્વરિત નિર્ણય લે છે મનાલી ઓડેદરા
જામનગરના એક ઉદ્યોગપતિએ જોધપુર ડેસ્ટિનેશન વેડિંગ માટે એર ક્રાફટ હાયર કર્યું. દુબઈના એક આરબે બાજને ટ્રાન્સપોર્ટ કરવા માટે પેટ ફ્રેન્ડલી એર ક્રાફટ પસંદ કર્યું.એક વ્યક્તિએ મુંબઈથી દુબઈ પોતાના ત્રણ ડોગ અને એક કેર ટેકર માટે ચાર્ટર બુક કરાવ્યું હતું.સિંગર બ્રાયન એડમ પોતાના વિશાળ કદના ઇન્સ્ટ્રુમેન્ટ માટે કાર્ગો કરે છે.પોતાના પ્રાઇવેટ જેટમાં સેલિબ્રિટી અહીંથી તહીં ઉડા ઉડ કરે તે વાત સામાન્ય માણસે સાંભળી હોય પરંતુ આ દુનિયા ખૂબ અચરજ પમાડે તેવી છે.આ અનોખી દુનિયામાં પોતાની મહેનત અને આત્મસૂઝ વડે સફળતામાં પગલાં પાડ્યાં છે મૂળ સોરઠ અને સૌરાષ્ટ્રના વતની અને હાલ વડોદરા સ્થિત મનાલી ઓડેદરાએ.જે પોતાની પ્રાઇવેટ એરક્રાફ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને દેશભરની સેલિબ્રિટીને ચાર્ટર પ્લેનમાં સફર કરાવે છે.આ ક્ષેત્રમાં કામ કરીને નામ,દામ કમાનાર મનાલી ઓડેદરા માટે અહીં સુધી પહોંચવું સહેલું નહોતું.
વિસાવદરમાં જન્મ અને શાળાકીય અભ્યાસ રાજકોટ નિર્મલા સ્કૂલમાં કર્યો તેમજ વડોદરામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું.અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં સેલ્સ અને માર્કેટિંગમાં એમબીએ કર્યા બાદ જુદી જુદી જગ્યાએ જોબ માટે એપ્લાય કર્યું અને એર ચાર્ટર સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોલ આવ્યો.એવિએશન કંપની હતી પરંતુ કામ સેલ્સ અને માર્કેટિંગનું હતું. સિલેક્ટ થયા બાદ ટ્રેનિંગ અને ઇન્ટરવ્યૂ તેમજ એકઝામ કઠિન હતી. સિલેક્શન થયા પછી લંડનમાં છ મહિનાની એરક્રાફ્ટ ગ્રાઉન્ડ ટ્રેનિંગમાં ઓન ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને એવીએશન રિલેટેડ તમામ ટ્રેનિંગ પસાર કરી બોમ્બેમાં નોકરી જોઈન કરી.
મુંબઈ જેવી નવી જગ્યા,લોકોનો પ્રોફેશનલ એપ્રોચ, ઓછા ફ્રેન્ડ્સ,નવી જોબમાં ડગલે ને પગલે પ્રેસર, ટાર્ગેટ પૂરા કરવા,એક મહિનામાં બાર લાખનો બિઝનેસ લાવવાનો વગેરે ચેલેન્જીસ સાથે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી.અત્યાર સુધીમાં તેઓએ અનેક સેલિબ્રિટી સાથે કામ કર્યું છે જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકૂમાર યાદવ, મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, ફિલ્મ સ્ટારમાં રિતિક રોશન, રણબીર કપૂર, વરૂૂણ ધવન, પ્રીતિ ઝિન્ટા, બચ્ચન પરિવાર તથા ખૂબ જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને પોલિટિશિયન સાથે પણ કામ કર્યું છે. આ કામ દેખાય છે તેટલું સહેલું નથી.
મનાલીએ જણાવ્યું કે ઘણી વખત ડીપાર્ચર પહેલા કોઈ ટેકિનકલ ફોલ્ટ આવે, બેગેજ વધુ હોય અથવા તો છેલ્લી ઘડીએ અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે.પેનિક થયા વગર તરત જ બીજા વિકલ્પો વિચારવા પડે છે. ક્લાયન્ટને હેરાનગતિ ન થાય, સમય બગડે નહીં એમ ત્વરિત નિર્ણય જરૂૂરી છે. સામાન્ય રીતે એડવાન્સમાં જ બુકિંગ થઈ જતું હોય છે છતાં ઇમર્જન્સીમાં પણ બુકિંગ કરાવવું પડે. એક વખત રાત્રે ત્રણ વાગે ફોન આવ્યો અને સવારે આઠ વાગે તેને ડીપાર્ચર કરાવ્યું. હાલમાં દુબઈમાં ફસાયેલા લોકોને પણ ઇન્ડિયા લાવવામાં ચાર્ટર પ્લેન મોકલવામાં આવ્યા હતા દુબઈથી બાય રોડ મસ્કત અને ત્યાંથી અમદાવાદ પહોંચાડ્યા હતા.
સામાન્ય રીતે કંપનીમાં પ્રાઇવેટ એવિએશન, કોમર્સિયલ બુકિંગ અને કાર્ગો માટે બુકિંગ થતું હોય છે જેમાં પ્રાઇવેટ એવિએશન પર્સનલી બુક થાય છે. કોમર્સિયલ બુકિંગમાં ડેસ્ટિનેશન વેડિંગ જેવા પ્રસંગોમાં 100 થી 180 કેપેસિટીવાળા મોટા એરક્રાફ્ટ બુક કરવામાં આવે છે તેમ જ કાર્ગો કે જે જરૂૂરિયાતના સામાન માટે હોય છે. લાઈવ એનિમલ મુવમેન્ટ પણ કાર્ગોમાં જ થતી હોય છે.
પોતાની સફળતા બાબત તેઓએ જણાવ્યું કે અમારી કમ્યુનિટીમાં દીકરીઓને વધુ ભણાવતા નથી ત્યારે માતા કુસુમબેન ઓડેદરા અને પિતા લક્ષ્મણભાઈ ઓડેદરાએ બંને ભાઈ-બહેનને સારામાં સારું શિક્ષણ આપ્યું અને પગભર કર્યા.ઇન્ટરવ્યૂ માટે કે અભ્યાસ માટે બહાર જવાનું થતું ત્યારે ડગલે ને પગલે માતાનો સાથ મળતો રહ્યો જેના કારણે આજે અહીં સુધી પહોંચી છું.છેલ્લા એક દાયકામાં અનેક સેલિબ્રિટી માટે ચાર્ટર બુક કરનાર મનાલીનું ડ્રિમ વડાપ્રધાન મોદી અને શશી થરૂૂર સાથે કામ કરવાનું છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ રીતે બુક કરવામાં આવે છે ચાર્ટર પ્લેન
છ વર્ષ જોબ કરીને હાલ પોતાની કંપની જેટ્સ એન્ડ રોટર એલએલપી શરૂ કરનાર મનાલીએ જણાવ્યું કે જે લોકોને પોતાનું ચાર્ટર પ્લેન હોય અને જ્યારે પોતે ફ્લાય ન કરતા હોય ત્યારે તે બીજાને રેન્ટ પર આપે છે જે ઓનર બેઝ કંપની કહેવાય. આ ઉપરાંત એવિએશન ડિપાર્ટમેન્ટ પાસેથી એરક્રાફ્ટ અવેલેબલ હોય તે પણ રેન્ટ પર લઈ શકાય જેમાં સૌપ્રથમ ડિપાર્ચર કરતા પહેલાં એવિએશન એન્જિનિયર એક કલાક પહેલા એરક્રાફ્ટ ચેક કરે બધું બરાબર છે એમ સાઈન કરી એપ્રુવ કરે છે. ઓનર બેઝ કંપની પાસે પોતાનો સ્ટાફ તેમજ અન્ય સુવિધા હોય છે તેથી તે વધુ અનુકૂળ રહે છે.આ કંપનીના ઓનર પોતાની શરત મુજબ એરક્રાફટ આપે છે જેમ કે નોનવેજ ફૂડ, સ્મોકિંગ એલાવ ન કરવું. જેમ અલગ અલગ કારમાં અલગ અલગ ફેસિલિટી હોય છે એ જ રીતે એરક્રાફ્ટમાં સિક્સ સીટર, ફોર સીટરથી લઈને 16 સીટર પણ હોય છે સામાન્યથી લઈને લક્ઝરિયસ એરક્રાફ્ટ પણ હોય છે જેમાં 4 સીટ, ડાઇનિંગ ટેબલ,કાઉચને ટર્ન કરીને બેડ બનાવી શકાય, ફૂડ,બાથ વગેરેની સુવિધા તેમાં હોય છે. સામાન્ય એરક્રાફ્ટ હોય અને અડધી કલાકનો ફ્લાય ટાઈમ હોય તો સાત લાખ પ્લસ જીએસટીથી શરૂૂ થાય અને સમય અને અંતર પ્રમાણે તે વધતું જાય. અમદાવાદથી જર્મની નવેક કલાકની લોંગ ફ્લાઈટ હોય તો તેની કિંમત કરોડને પાર થઈ જતી હોય છે.
જ્યારે રતન ટાટાએ ક્રિકેટર રોહિત શર્મા માટે પોતાનું એરક્રાફટ આપ્યું
યાદગાર ઘટના બાબત જણાવતા તેઓએ કહ્યું કે 2020ની સાલ અને જાન્યુઆરી મહિનો હતો. ક્રિકેટર રોહિત શર્માને મુંબઈથી રાજકોટ મેચ માટે પહોંચવાનું હતું. આ માટે તેણે ચાર્ટર પ્લેન બુક કર્યું. સાંજે નીકળવાનું હતું અને સવારે જે એરક્રાફ્ટ આવવાનુ હતું તેમાં ટેકિનકલ ખામી સર્જાઈ. હવે આ ચાર્ટર પ્લેનના વિકલ્પ તરીકે અન્ય ચાર્ટર પ્લેન તૈયાર રાખવું જરૂૂરી હતું. મને જાણ થઈ કે જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ રતન ટાટા પોતાના નાઈન સીટર એરક્રાફ્ટને લઈને મુંબઈમાં એ જ દિવસે લેન્ડ થવાના હતા. તેમના ડિરેક્ટરનો સંપર્ક કર્યો. ભારતીય ક્રિકેટર પોતાના સમય પ્રમાણે ક્રિકેટ મેચમાં પહોંચી શકે તે માટે રતન ટાટાએ જાતે પોતાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરી એક કલાક વહેલા પહોંચી પોતાનું એરક્રાફ્ટ ભારતના ક્રિકેટર માટે આપ્યું. આ ઘટના આંખમાં આંસુ લાવનાર હતી તેથી ખાસ આભાર માનવા હું ત્યાં હાજર રહી અને જયારે મેં થેન્કયુ કહ્યું ત્યારે રતન ટાટા મોં પર સ્માઈલ સાથે સહજતાથી નોપ્રોબ્લેમ બેટા કહીને નીકળી ગયા.
