સરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને જનતા વચ્ચે જશુ: વિશ્ર્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ…

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય ” કમલમ”કોબા ખાતે યોજાઈ હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શહીદ દિવસ નિમિતે માં ભારતીની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિવીર ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને વંદન કરી ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય 8931 દિવસ સુધી સરકારના વડા તરીકે નેતૃત્વ કરી નવો કીર્તિમાન સ્થાપવા બદલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. 6 એપ્રિલ, 1980 ભાજપની સ્થાપના થઇ અને તે આજે એક વટવૃક્ષ બન્યું છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે કાર્યરત આ સંગઠન લાખો કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે,ભાજપા સ્થાપના કાળથી પાર્ટીનું લક્ષ્ય એક એવા લોકશાહી રાજ્યની સ્થાપના કરવાનું છે જેમાં જ્ઞાતિ, સંપ્રદાય અથવા લિંગના ભેદભાવ વિના તમામ નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય, સમાન તક તેમજ ધાર્મિક શ્રદ્ધા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ શકે. સંગઠન એ ભાજપાનો આત્મા છે અને કાર્યકર્તા ભાજપાની શક્તિ છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યુવાન નીતિન નવીનજીને નેતૃત્વ સોપાયું છે, તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને સંગઠનમાં યુવાનોને તક આપવામાં આવી રહી છે. બૂથ સમિતિ, બૂથ સ્તર સુધીની સક્રિયતા જ ભાજપની અજેય શક્તિનું રહસ્ય છે. તેમજ સંગઠનની સાચી તાકાત બૂથ પર છે. વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. ગુજરાતની જનતાએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મૂક્યો છે. 2022 માં ઐતિહાસિક 156 બેઠકો અને આજે 162 ધારાસભ્યો સાથે ભાજપ ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ખુબજ મજબૂત સ્થિતિમાં છે.

તમામ 8 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને અંદાજિત 95% સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર આજે ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરી વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે.ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓએ સરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જવાનું છે. ’સેવા હી સંગઠન’ ના મંત્ર સાથે, 2047 સુધીમાં ’વિકસિત ભારત’ ના નિર્માણ માટે ભાજપના દરેક કાર્યકર્તાને શત પ્રતિશત યોગદાન આપવા વિશ્વકર્માએ આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે,વૈશ્વિક યુધ્ધની પરિસ્થતિમાં 75 હજારથી વધુ ભારતીયોને દેશમાં સહી સલામત પરત લાવવામાં આવ્યા છે તેમજ અરાજકતા ભરેલી વૈશ્વિક પરિસ્થિતિમાં દેશ અવિરત પણે આગળ વધી રહ્યો છે જે આપણા માટે ગૌરવની વાત છે. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. જેમાં કાર્યકર્તાઓના ઘડતર માટે અનેક પ્રક્રિયાઓ છે. જેમાં સતત કાર્યકર્તાઓનું ધડતર થાય છે.આથી જ પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરતો હોય છે. તેઓએ પેટ્રોલ, ડીઝલને લગતી કોઈ પણ પ્રકારની અફવાઓથી દુર રહેવા, અફવાઓ ન ફેલાવા તેમજ ગેરમાર્ગે ન દોરાવા નાગરિકોને અપીલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યને દેશમાં અને દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં મૂકવાનું કામ કર્યું. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનહિતમાં કરેલા નિર્ણયોને જન જન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે નજીકના સમયમાં ગુજરાત યુ.સી.સી. લાગું કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગત પરિણામ કરતા પણ રેકોર્ડ બ્રેક પરિણામો મળે તે માટે સામૂહિક સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.

5 એપ્રિલે ઘર ઘર મહાસંપર્ક અભિયાન
સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનાત્મક કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપા લોકતાંત્રિક મૂલ્યો આધારિત પાર્ટી છે. સંગઠન શક્તિનો સકારાત્મક ઉપયોગ પર ભાર મુકતા કહ્યું હતું કે આગામી 29 એપ્રિલે મંડલ સ્તરે “મન કી બાત ટિફિન કે સાથ” બેઠક યોજવામાં આવશે. જેમાં ભાજપા સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ 5 એપ્રિલના રોજ યોજાનાર ઘર ઘર મહાસંપર્ક અભિયાનની રૂૂપરેખા – આયોજન નિશ્ચિત કરવામાં આવશે. 6 એપ્રિલ ભાજપા સ્થાપના દિનના રોજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપા વરિષ્ઠ પદાધિકારીઓના નિવાસ પર ભાજપા ધ્વજ લગાવશે અને સાંજે 3 થી 6 દરમ્યાન સ્થાપના દિનની ઉજવણી જિલ્લા કાર્યાલય પર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *