હાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયો

ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા…

ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો

શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી પરોઢિયે પોતાના ઘર પાસે ઊભેલી 15 વર્ષની સગીર તરુણીનું સ્વીફ્ટ કારમાં અપહરણ કરી, ચાલુ કારે તેની સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની તરુણી સોમવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી. આ સમયે તરુણીની માતા અચાનક બહાર થતા દેકારાને કારણે જાગી ગઈ હતી. તેણે બહાર આવીને જોયું તો તેની દીકરી પાસે એક કાળા કાચવાળી સ્વીફ્ટ કાર ઊભી હતી અને કાર પાસે ઉભેલો શખ્સ તેની દીકરી સાથે જબરજસ્તી કરી રહ્યો હતો. પરિવારના સભ્યો તાત્કાલિક બહાર દોડી આવતા આરોપી ત્યાંથી કાર લઈને નાસી છૂટ્યો હતો.

ગભરાયેલી દીકરીએ પરિવારને જણાવ્યું કે, આરોપી નવાઝખાન શેરખાન ઘોરી તેને અવારનવાર ફોન કરીને હેરાન કરતો હતો. તરુણીએ તેને ફોન કરવાની ના પાડી હોવા છતાં તે પીછો છોડતો નહોતો. સોમવારે વહેલી સવારે ત્રણ વાગ્યે આરોપીએ તેને મેસેજ કરીને ઘરની બહાર બોલાવી હતી. તરુણી જેવી બહાર ગઈ કે તરત જ આરોપીએ તેને કારમાં બેસી જવાનું દબાણ કર્યું હતું. તરુણીએ મચક ન આપતા આરોપીએ તેનો હાથ પકડી જબરજસ્તીથી તેને કારની આગળની સીટ પર બેસાડી દીધી હતી. કારના કાચ કાળા હોવાથી અને અંધારું હોવાને કારણે આરોપી તેને ક્યાં લઈ ગયો તેની તેને જાણ થઈ ન હતી, પરંતુ ચાલુ કારે આરોપીએ તેની સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી.

આ ગંભીર બનાવ અંગે તરુણીની માતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો દોડતો થયો હતો. એ-ડિવિઝન પી.આઈ. બી.વી. બોરીસાગર અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપી નવાઝખાન શેરખાન ઘોરી (રહે. ન્યૂ સાગર સોસાયટી, શેરી નં. 2, જંગલેશ્વર)ને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *