જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં છુપાવી રાખેલી 1390 નંગ વિદેશી દારૂૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.જૂનાગઢમાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો.પોલીસે આ સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની કુલ 1390 બોટલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 4,05,977 રૂૂપિયા થાય છે. દારૂૂના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત 20,000 રૂૂપિયા આંકવામાં આવી છે.
આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 4,25,977 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાતાપુર ગામના 43 વર્ષીય ખેડૂત હરેશભાઈ લખમણભાઈ ભાદરકા અને જૂનાગઢ ગાંધીગ્રામના 45 વર્ષીય ભરતભાઈ હમીરભાઈ રાડાનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં ગાંધીગ્રામનો મેરા ઉર્ફે બકરી પરબતભાઈ શામળા, મીરાનગરનો દેવા જેસાભાઈ પરમાર અને ગાંધીગ્રામનો નિકુલ ભરતભાઈ રાડા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
