અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇસરના ચાલકની શોધખોળ
ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં એંસી ફુટ રોડ પર રાધાનગરમાં રહેતાં વૃધ્ધે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. કંપનીમાં કામ કરતાં હોઇ કામેથી છુટીને ઘરે જતી વખતે આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ એંસી ફુટ રોડ લાલ પાર્ક નજીક રાધાનગર-4માં રહેતાં અશ્વીનકુમાર ગીરધરભાઇ અગ્રાવત (ઉ.વ.60) નામના વૃધ્ધા સાંજે પાંચેક વાગ્યે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે ગોંડલ રોડ ક્રિષ્ના મારબલ નજીક સર્વિસ રોડ પર આઇસરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં તેઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં 108 બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ સ્થળ પહર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્ધની ઓળખ મેળવી તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર અશ્વીનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કંપનીમાં નોકરી કરતાં હતાં. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હોઇ પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં ગુનો નોંધવા તજવીજ કરી હતી.
