ભાવનગર જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર માહિતી ખાતાના નિવૃત્ત કર્મચારી અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં હનીફ સમા દ્વારા ગંભીર ધમકી અને ત્રાસ આપવાનો બનાવ સામે આવતા સરકારી કચેરીઓમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ ભાવનગરમાં મોતીબાગ વિસ્તારમાં રહેતા શક્તિ મનહરભાઈ પરમાર ઉં. વ .38 અને વિશાલ, જે જિલ્લા માહિતી કચેરીમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેઓ તા. 17 માર્ચ 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યાના સમયે પોતાની ફરજ પર હતા. તે સમયે માહિતી ખાતાના ભૂતપૂર્વ કર્મચારી હનીફ સમા કચેરી પરિસરમાં આવી શક્તિભાઈને અશ્ર્લીલ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. હનીફ સમા શક્તિભાઈની બીમાર માતાનો મોબાઇલમાં વિડિયો ઉતારી રહ્યા હતા. શક્તિભાઈએ તેમને આવું ન કરવાની વિનંતી કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને અશ્ર્લીલ તથા બિભત્સ ગાળો આપતા હવે તું અહીં કેવી રીતે નોકરી કરે છે તે હું જોઈ લઈશ તથા મારી સામે ફરી આવ્યો તો જાનથી મારી નાખીશ જેવી ગંભીર ધમકીઓ આપી હતી.
આ ઘટનાથી કચેરીમાં હાજર સ્ટાફમાં ભારે ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી. સમગ્ર મામલે શક્તિ પરમારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈ લેખિત ફરિયાદ નોંધાવી છે.ભાવનગરના નાયબ માહિતી નિયામક આર. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે માહિતી ખાતામાંથી નિવૃત્ત થયેલા હનીફ સમા છેલ્લા કેટલાક સમયથી જિલ્લા માહિતી કચેરીમાં વારંવાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેઓ કચેરીમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી સરકારી કામગીરીમાં દખલગીરી કરે છે. સરકારી કર્મચારીઓને ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે. સ્ટાફની મંજૂરી વિના ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. સરકારી ફાઈલો અને દસ્તાવેજોમાં બિનઅધિકૃત હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે છે. કચેરીના પ્રવેશદ્વાર પર અડીંગો જમાવી અવરજવર રોકે છે તેમજ મહિલા કર્મચારીઓની મંજૂરી વિના વિડિયો બનાવતા તેમની સલામતીને જોખમમાં મૂકે છે.
કચેરીના સ્ટાફનો આક્ષેપ છે કે આરોપી વ્યક્તિ રોજ કચેરી પરિસરમાં આવી સ્ટાફ પર માનસિક દબાણ ઊભું કરે છે, ગેરકાયદેસર રીતે વિડિયોગ્રાફી કરે છે અને મીડિયાનો ડર બતાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે. આ કારણે સમગ્ર કચેરીમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.આ સમગ્ર મામલે હનીફ સમા વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા, તેમને કચેરી પરિસરમાં પ્રવેશતા રોકવા પ્રતિબંધાત્મક પગલાં લેવા અને કર્મચારીઓને પોલીસ સુરક્ષા પૂરી પાડવા જિલ્લા પોલીસ વડાને નાયબ માહિતી નિયામક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
