ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહત કરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને ખેતી માટે ની સિંચાઈની ચિંતા મોટાભાગે ટળી છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિ મુજબ જુલાઈ મહિના સુધી પાણી પુરવઠો સરળતાથી ચાલુ રાખી શકાય તેમ છે.
આ અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.કે.કારાવદરા એ માહિતી આપતાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લાના પાંચેય જળાશયોની વર્તમાન સ્થિતિ સંતોષકારક છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આગામી જૂન અને જુલાઈ મહિનામાં ચોમાસુ મોડું પડે અથવા વરસાદ ઓછો પડે તો પાણી વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવાની જરૂૂર પડી શકે છે. ગીર જંગલ વિસ્તારમાં આવેલો હિરણ-1 ડેમ, જે કમલેશ્વર ડેમ તરીકે પણ ઓળખાય છે, તે હાલ 97.92 ટકા ભરાયેલો છે. આ ડેમમાં અંદાજે 100 એમસીએફટી પાણીનો જથ્થો ગીરના વન્યજીવો માટે આરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત, તાલાળા અને મેંદરડા તાલુકાના નવ ગામોને સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો જળાશય હિરણ-2 ડેમ વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલો છે અને હાલ 77.74 ટકા ભરાયેલો છે. આ ડેમમાંથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 55 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને સુત્રાપાડા નગરપાલિકા ને પણ પીવાનું પાણી અહીંથી આપવામાં આવે છે. હિરણ-2 ડેમ માંથી વેરાવળ અને તાલાળા તાલુકાના 23 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, સુત્રાપાડા અને ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ, વેરાવળને પણ આ જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
કોડીનાર તાલુકાનો શિંગોડા ડેમ હાલ 78.82 ટકા ભરાયેલો છે, જેમાંથી 12 ગામોને સિંચાઈ માટે અને 23 ગામોને પીવાના પાણીનો પુરવઠો થાય છે. ગીર ગઢડામાં આવેલો મચ્છુન્દ્રી ડેમ 89.32 ટકા ભરાયેલો છે અને તેમાંથી 21 ગામોને સિંચાઈ તથા 32 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ઉના તાલુકાનો રાવલ ડેમ 93.74 ટકા ભરાયેલો છે, જ્યાંથી 16 ગામોને સિંચાઈ અને આશરે 70 ગામોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. આમ, ગીર સોમનાથ જિલ્લાના પાંચેય જળાશયો માં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઊભી થવાની શક્યતા નથી. જો આગામી ચોમાસુ મોડું પડે તો પાણીના સંચાલન માટે કેટલાક નિયંત્રણાત્મક પગલાં લેવા પડી શકે છે.
