અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ

10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં…

10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના

જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં જ પુજારી અને રસોયાઓએ દારૂ અને ચિકનની મહેફીલ માણી હોવાની ઘટના બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ઘટનાના પગલે ભાવિકોમાં રોષ ફાટી નિકળતા એક રસોયો અને 10 પુજારીની તાબડતોબ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે.વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ અને દારુની પાર્ટી માણતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મફેફિલનો વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારુ આરોગતા હોવાનો વીડિયો વાઈરલ થયાનો આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.

ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ’શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું છે. એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગિરનાર પર્વત પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો મળી હતી.
ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણને જોતા, પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. હાલમાં આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે.

તાજેતરમાં જ અંબાજી મંદિરના કાયમી મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં ’નાના પીર’ અને ’મોટા પીર’ ના સભ્યોનો પણ સમાવેશ થાય છે. જોકે, આ દારૂૂ-મટન પાર્ટીના કૌભાંડમાં જે લોકોના નામ ઉછળ્યા છે અથવા જે સ્ટાફની સંડોવણી ખુલી છે, તેના કારણે નાના પીર અને મોટા પીરના જૂથોની દાવેદારી પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયેલા આ પક્ષોની મહંત પદ માટેની દાવેદારી કાયમી ધોરણે રદ થઈ શકે છે.

આ ઘટનાએ સિદ્ધ ક્ષેત્ર ગિરનારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.હાલમાં માતાજીની નિત્ય સેવા માટે બે જૂના પૂજારીઓને યથાવત રાખીને પૂજા વિધિ ચાલુ રાખવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણને કારણે જૂનાગઢના સાધુ-સંતો અને ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ છે,અને જવાબદારો સામે કડક જેલવાસની માંગણી ઉઠી રહી છે.

અંબાજી મંદિરના સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ
કિશોરસિંહ એસ. ચૌહાણ (પુજારી)
તુષારગીરી એમ. ગોસ્વામી (પુજારી)
પ્રિન્સભાઈ કે. ઠાકર (પુજારી)
ગોસ્વામી ભરતગીરી ધનગીરી (પુજારી)
ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ (પુજારી)
શૈલેષગીરી એમ. ગોસ્વામી (પુજારી)
ધવલગીરી બી. ગોસ્વામી (પુજારી)
કાંતિગીરી એ. અપારનાથી (પુજારી)
દેવગીરી જીમ્મીગીરી ગોસ્વામી (પુજારી)
વિજયભાઈ એ. ત્રિવેદી (પુજારી)
સમીક્ષા રામ (રસોઈયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *