ચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવ

અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડતારક ક્ષેત્ર (પિંડારા) ખાતે આગામી ચૈત્ર સુદ અગિયારસ તા.29-03-2026 ને રવિવારથી તા.06-04-2026 સુધી…

અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડતારક ક્ષેત્ર (પિંડારા) ખાતે આગામી ચૈત્ર સુદ અગિયારસ તા.29-03-2026 ને રવિવારથી તા.06-04-2026 સુધી નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા, પિતૃતર્પણ કાર્ય, શ્રી મહાવિષ્ણુયાગ તથા શ્રીમદ્ ભાગવત પાઠ તેમજ હરિહર પ્રસાદ સહિતના ધર્મોત્સવો ઉજવાશે. આ પાવન શિવકથા તથા આધ્યાત્મિક અવસરોમાં સમસ્ત બ્રહમસમાજ, વિદ્વાનો, સાધુ-સંતો, મહાનુભાવો, વડીલો તથા સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

પિંડારાના મહર્ષિ દુર્વાસામુનિ આશ્રમ ખાતે તા.ર9 માર્ચથી 6 એપ્રિલ સુધી યોજાનાર શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી વિશ્વવિખ્યાત શિવકથાકાર પૂ.ગીરીબાપુ દ્વારા ઉપસ્થિત શ્રોતાગણને તેમની આગવી શૈલીમાં કથાના વિવિધ પ્રસંગોનું રસપાન કરાવાશે. તા.ર9મીએ સવારે 9 કલાકે મહાપ્રભુજીની બેઠકથી કથાસ્થળ સુધી પોથીયાત્રા બાદ દરરોજ સવારે 9 થી 12 તથા બપોરે 3 થી 6 સુધી યોજાનાર શિવકથામાં શ્રાવણ મહાત્મ્ય, લિંગ પ્રાગટય, કાર્તિક/ગણેશ પ્રાગટય, બિલ્વપત્ર મહાત્મય, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શિવનામ મહાત્મ્ય, ભસ્મ મહાત્મ્ય તેમજ તા.3 એપ્રિલે સતી પ્રાગટય તેમજ 4 એપ્રિલે શિવપાર્વતી વિવાહ સહિતના પાવનકારી પ્રસંગો યોજાશે.

પિંડારા ખાતે યોજાનાર ચતુરંગી ધર્મમહોત્સવ દરમ્યાન તા.29-03-2026 ને રવિવારના સવારે 9 કલાકે યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિર તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ પણ યોજવામાં આવનાર છે.

શિવકથાની સાથોસાથ જીવમાત્રના મોક્ષતર્પણ અને કલ્યાણના શુભહેતુથી નવકુંડિય મહાવિષ્ણુયાગ તથા શ્રીમદ્ ભાગવત પાઠ મુખ્ય આચાર્ય ભાગવત કથાકાર ધવલભાઈ અત્રિ (લાંબાવાળા) તેમજ પવિત્ર બ્રાહમણો દ્વારા શાસ્ત્રોકત વિધિ અનુસાર કરાવવામાં આવશે. આ સાથે પિંડતારક ક્ષેત્રના તીર્થગોરો દ્વારા પિતૃતર્પણ કાર્ય પણ કરાવવામાં આવશે. તા.30-03 ના બપોરે 12 કલાકે સમસ્ત બ્રહમ ચોર્યાસીનું બ્રહમ ભોજન તેમજ તા.29-03 થી 06-04 સુધી દરરોજ બપોરે 11:30 થી 3 વાગ્યા સુધી તેમજ સાંજે 7 થી 9 સુધી હરીહર પ્રસાદીનું પણ આયોજન કરાયું છે.

શિવકથા સહિત ધર્મોત્સવ દરમ્યાન દરરોજ રાત્રિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તા.30 માર્ચે રાત્રે 8 કલાકથી ભવ્ય લોકડાયરામાં ખ્યાતનામ કલાકારો રાજભા ગઢવી, બિરજુ બારોટ, ગોપાલ સાધુ સહિતના કલાકારો જોડાશે. તા.ર એપ્રિલે રાત્રે 8 કલાકથી યોજાનાર ભવ્ય સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહિર, પરસોતમ પરીબાપુ, શૈલેષ મારાજ, દેવરાજભાઈ ગઢવી સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે. તા.પ એપ્રિલે સાંજે 6:30 કલાકથી શ્રીકૃષ્ણ સમર્પિત કૃષ્ણવંશી ઉજજવળ પરંપારનુસાર યોજાયેલ દ્વારકાના આહિરાણી મહારાસની અલૌકિક ઝાંખી યોજાશે જેમાં માલદે આહીર, ક્રિષ્ના આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારો જોડાશે. આ ઉપરાંત તા.6 એપ્રિલે રાત્રે 8 કલાકથી કાનગોપી મંડલીના કિર્તન, શ્રીમદ્ વલ્લભાચાર્યજીની બેઠકજીના સાન્નિધ્યમાં ધર્મોત્સવની પુર્ણાહુતિએ આહીર પરંપરાની કાનગોપી મંડલી કિર્તનની રમઝટ બોલાવશે.

સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 15 નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે
શિવપાર્વતી વિવાહ પ્રસંગે તા. 4 એપ્રિલે ઋષિપૂજનની આહિર પરંપરાનુસાર ચંદ્રલગ્ન નિધરિલ હોય જેમાં 15 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *