શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડામાં મહાકાળી ચોકમાં રહેતી છાયા રણજીતભાઈ મકવાણા (ઉ.22) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક છાયા એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતી અને તેના માવતર ચોટીલાના ભેડસુરા ગામે રહે છે. તેણીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હોવાનું અને પતિ છુટક મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણીએ આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
