દારૂ પીધા બાદ ઘરે આવી ‘તે જ મોબાઇલ ચોરી લીધો છે’ તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળે ફેંકી દેતા યુવાનનું મોત: આરોપી સકંજામાં
શાપર વેરાવળમાં ધૂળેટીના દિવસે રાત્રે પરપ્રાતિય યુવાનની મિત્રના હાથે જ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સાથે દારૂ પીધા બાદ મિત્રએ ઘરે આવી તે જ મોબાઇલ ચોરી લીધો છે. તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળેથી ફેંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનુ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલ શાપર-વેરાવળમાં કિસાન ગેઈટની અંદર રાજ મેટલ નામના કારખાનાની ઓરડીમાં રહેતો શ્રવણ દુખનભાઈ યાતી તાતી (ઉ.33) નામનો યુવાન ગઈકાલે સાંજે તેના મિત્ર સાથે દારૂ પીવા ગયો હતો જ્યાંથી પરત ઘરે આવ્યા બાદ થોડીવાર બાદ તેનો મિત્ર પણ દારૂના નશામાં ઘરે ધસી આવ્યો હતો અને દારૂ પીવા બેઠા ત્યારે આરોપીનો મોબાઈલ ચોરાઈ ગયો હોય જે અંગે શ્રવણે મોબાઈલ ચોરી લીધાની શંકા રાખી તે જ મોબાઈલ ચોરી લીધો છે તેમ કહી તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન પ્રથમ માળેથી ધક્કો મારી પાડી દેતાં શ્રવણ નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર અપાવ્યા બાદ તેને ઘરે લઈ જવાયો હતો. બાદમાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો આ અંગે શાપર વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી મિત્રને શકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ બે બહેનમાં વચેટ અને તેને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
