જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા.
કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, “ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો.” તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે. આ સમાધાનથી તમામ વાદ-વિવાદનો અંત આવ્યો છે. આ ઘટના બાદ ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં હતા. તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો.
